Gujarat

આદિજાતી વિકાસ કેબિનેટ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪ની ઉજવણીનો પ્રારંભ

આદિવાસી અમૃત કુંભ મહોત્સવ-૨૦૨૪ રથનું ઉષ્માભેર સ્વાગત કરતા-મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર
ભગવાન બિરસા મુંડાના જીવનનો પરિચય આપતા-આદિજાતી વિકાસ રાજયકક્ષાના મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર
ભારત સરકાર દ્વારા તા. ૧૫ નવેમ્બર બિરસા મુંડા જન્મજયંતિ ઉજવવામાં આવે છે. બિરસા મુંડાના બલિદાનને યાદ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ૧૫મી નવેમ્બર બિરસા મુંડાની જન્મ જયંતી નિમિતે “જાનજાતી ગૌરવ દિવસ”ની ઉજવણી કરવાનું નક્કી કર્યું. જેનું ચોથું વર્ષ છે.રાજ્ય સરકાર દ્વારા વનબંધુ વિસ્તારમાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવની બે દિવસીય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે  છોટાઉદેપુર જિલ્લાની એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે આદિજાતી વિકાસ, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં રંગેચંગે આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ છોટાઉદેપુર ખાતે આવી પહોચતા કેબિનેટ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર હસ્તે ઉષ્માભેર સ્વાગત કરાયુ હતું.
આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪ ઉજવણીના પ્રારંભે રાજયકક્ષાના મંત્રીશ્રીના હસ્તે ભગવાન બિરસામુંડા સહિત દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના કલાકારો દ્વારા રાઠવા નૃત્ય, ઢોલ નૃત્ય, દિવાસા નૃત્ય, ઘેરૈયા નૃત્ય,રજૂ કરવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડા/ આદિજાતિ વિભાગની ફિલ્મ બતાવવામાં આવી હતી.
  
આ પ્રસંગે કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, દેશના વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧૫મી નવેમ્બર ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિતે સમગ્ર દેશમાં એક સાથે બિરસા મુંડાની જન્મ જયંતી ઉજવવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે ડાંગ સબરી માતાની ધરતી ડાંગથી આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૧૫મી નવેમ્બરે શરૂઆત કરી હતી. તેમણે અંગ્રેજો સામે સ્વતંત્રતા માટે લડત લડનાર ભગવાન બિરસા મુંડાના જીવનનો પરિચય આપ્યો હતો. એક ભારત શ્રેષ્ઠ ભારત બને, સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ’ સાથે બધા આગળ વધીએ તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.
આદિવાસી વિસ્તારની શિક્ષણની વાત કરતા જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં એકલવ્ય મોડેલ સ્કુલ ૧૦૧, આશ્રમ શાળાઓ ૬૬૧, કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ, સમરસ હોસ્ટેલો, કુમાર અને કન્યા નિવાસી છાત્રાવાસો, આમ કૂલ મળીને ૧૩.૭૦ લાખ બાળકોને રાજ્ય સરકાર દ્વારા રહેવા-જમવા, પુસ્તકો, દફતર, ગણવેશ જેવી સુવિધાઓ આપી રહી છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,ધારાસભ્યઓ જયંતીભાઈ રાઠવા અને અભેસિંહ તડવીએ આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બબોધન કર્યું હતું.
મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ અન્ય ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર આદિવાસી પ્રબુધ્ધ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્થળ પર ખેડૂતોના ઈ-કેવાયસી તેમજ આદિવાસી ખાદ્ય સામગ્રી, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ચીજ વસ્તુઓ ૧૫ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા, જિલ્લા પોલીસ અધીક્ષક ઈમ્તિયાઝ શેખ, ગુજરાત આદિજાતિ મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયત વિવિધ સમિતિના અધ્યક્ષ અને સભ્યો અને અન્ય મહાનુભાવો સહીત મોટી સંખ્યામાં આવેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર