Gujarat

કેવાયસી માટે ખુલતી ઓફિસે પહોંચેલા અરજદારો કલાકો સુધી રાહ જોતા રહ્યા

નડિયાદ સહિત જિલ્લાભરમાં કેવાયસી અપડેટ કરાવવા માટે આવતાં અરજદારોને સર્વરની ખામીને લઈને છેલ્લા 4 દિવસથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

એક તરફ આ કામગીરી પૂર્ણ કરવા માટે રોજ અરજદારોની ભીડ જામી રહી છે તો બીજી તરફ કચેરીમાં બેસવાની પૂરતી વ્યવસ્થા ન હોવાથી કલાકો રાહ જોતાં અરજદારોને હાલાકી વેઠવી પડે છે. અરજદારો નાછૂટકે આખો દિવસ કચેરીના કમ્પાઉન્ડમાં બેસી રહે છે.

નડિયાદ કલેક્ટર ઓફિસ ખાતે છેલ્લા 4 દિવસથી સવારથી જ લોકો કેવાયસી અપડેટ કરાવવા માટે ઉમટી પડે છે. નડિયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી રેશનીંગ કાર્ડ, આધાર કાર્ડ અપડેટ કરાવવા, કેવાયસીમાં ફેરફાર માટે આવતાં અરજદારોને સવારથી જ સર્વર ડાઉન હોવાથી કચેરીની અંદર તેમજ કચેરીની બહાર કમ્પાઉન્ડમાં કલાકો સુધી બેસી રહેવાનો વારો આવે છે.

સરકાર દ્વારા ઓનલાઇન સિસ્ટમ અરજદારોના હીત માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં તો વારંવાર ઉભી થતી સર્વરની સમસ્યાને લઇને અરજદારોને પરેશાન થવાનો વારો આવી રહ્યો છે.

હાલમાં શાળા-કોલેજોમાં તેમજ સરકારી કામ માટે, બેંકના કામ માટે કેવાયસી અપડેટ થયેલાં હોવા જરૂરી છે. ત્યારે આ કામગીરી માટે પહોંચતા અરજદારોને ટેક્નિકલ ખામીને કારણે પરેશાન થવું પડી રહ્યું છે.

સોમવારે પણ 400 થી વધુ અરજદારો કચેરીમાં પહોંચીને રાહ જોતાં જોવા મળ્યા હતા. અધિકારીઓ અને કર્મચારીઓ પણ સર્વરની સમસ્યાને લઇને પરેશાન છે.