Gujarat

‘મારી દીકરીને ઓનલાઈન ટ્યુશન રખાવવુ છે’ તેમ કહી ગઠિયાએ ટ્યુશન ફી માટે એક રૂપિયો નાખી 82 હજાર ઉપાડી લીધા

ડાકોરમાં ગઠિયાએ ભારે કરી છે. ઓનલાઈન ટ્યુશન કરાવતા વ્યક્તિને ગઠિયાએ ફોન કરી ટ્યુશન ફી બાબતે પુછપરછ કરી હતી અને ફીના 1 રૂપિયો ટ્રાન્સફર કરાવી ગણતરીની મિનિટોમાં રૂપિયા 82 હજાર ઉપાડી લીધા છે. આ બનાવ મામલે ડાકોર પોલીસમાં ગતરોજ ફરિયાદ નોંધાઈ છે.

મુળ બિહારના અને છેલ્લા દોઢ વર્ષથી ડાકોરમાં રેલવે સ્ટેશન પાસેના વૈકુંઠ આશ્રમ ખાતે રહેતા 40 વર્ષિય સત્યજીતકુમાર નિરાલા યોગેન્દ્ર પંડીત પોતે આ આશ્રમમાં પૂજારી તરીકે તેઓ સેવા આપે છે. સત્યજીતકુમાર પોતે સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન તેમજ અંગ્રેજી જેવા વિષયોમાં ઓનલાઇન ટ્યુશન કરાવે છે. આ બાબતે તેમણે સોશિયલ મીડિયા મારફતે ટ્યુશન અંગેની જાહેરાત પણ આપી હતી.

ગત 21 માર્ચ 2024ના રોજ સત્યજીતકુમારના મોબાઇલ ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવેલ હતો. જેમાં સામે વાળી વ્યક્તિએ પોતાની દીકરીના ટ્યુશન બાબતે વાતચીત કરી હતી. આ શખ્સે કહેલ કે, ‘મારી દીકરીને ઓનલાઈન ટ્યુશન રખાવવુ છે’ તેમ કહી ટ્યુશન ફી ની પુછપરછ કરી હતી. જેથી ટ્યુશન ફી બાબતે રૂપિયા 6 હજાર થશે તેમ સત્યજીતકુમારે જણાવ્યું હતું.

આ બાદ બીજા દિવસે ફોન કરી રૂપિયો 1 નાખેલ છે તેમ આ શખ્સે કહી ફોન ચાલુ રખાવી રૂપિયા 82 હજાર 484 ઉપાડી લીધા હતા. ફોન મુક્યા બાદ ટુકડે ટુકડે નાણાં ઉપડી ગયા હોવાનું સત્યજીતકુમારને ધ્યાને આવ્યું હતું.

આથી જે તે સમયે તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર અને એ બાદ ગતરોજ ડાકોર પોલીસમાં આ મામલે અજાણ્યા મોબાઇલ ધારક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.