Gujarat

ડભાલી પ્રા. શાળામાં ધોરણ 6ની વિદ્યાર્થીનીને શિક્ષકે સોટીથી ફટકારી

ગળતેશ્વર તાલુકાના ડભાલી પ્રાથમિક શાળામાં ધોરણ 6 ની વિદ્યાર્થીનીને શિક્ષકે માર માર્યાનો વિડીયો હાલમાં સોશિયલ મિડીયા ઉપર વાઇરલ થયો છે. દીકરીને માર મારવામાં આવ્યા બાદ વાલી દ્વારા શાળામાં હોબાળો કરવામાં આવ્યો હતો અને બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

ગળતેશ્વર તાલુકાના ડભાલીની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક દ્વારા બાળકીને માર માર્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બાળકીના વાલી અને અન્ય લોકો દ્વારા શિક્ષકને ઠપકો આપવામાં આવી રહ્યો હોવાનું જોવા મળે છે.

વિડીયોમાં મુસ્તુફાભાઈ દ્વારા શિક્ષકનું નામ પૂછતાં શિક્ષક તેઓને શું કામ છે કહે તેમ કહેતાં બોલાચાલી થાય છે. જોકે, શાળામાં વિદ્યાર્થીનીને શિક્ષકે માર માર્યો હોવાનું ધ્યાને આવતાં કેટલાક ગ્રામજનો પણ શાળાએ દોડી આવી ગયા હતા.

શાળાએ 108 બોલાવી બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સમગ્ર મામલો હાલમાં પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસની પણ માંગ કરવામાં આવી છે.

શિક્ષકના વર્તનથી બાળકી ડઘાઇ ગઇ સમગ્ર મામલે હોબાળા બાદ જે દીકરીને શિક્ષકે માર માર્યો તે ડઘાઇ ગયેલી જોવા મળી હતી. પહેલાં શિક્ષકના માર અને બાદમાં થયેલા હોબાળાથી ગભરાયેલી દીકરી મૌન થઇને ઉભી રહી હતી અને જેમ વાલી અને અન્ય લોકો કહે તેમ કરતી હતી.

108 માં બાળકીને જ્યારે સારવાર માટે લઇ જવામાં આવી ત્યારે તેણે તબીબને શિક્ષકે તેને બરડામાં સોટી મારી હોવાનું જણાવ્યું હતું અને ચચરતું હોવાનું કહ્યું હતું. જેથી તબીબે તપાસ કરતાં દીકરીને બરડાના ભાગે સોરા પડેલાં જોવા મળ્યા હતા.