Gujarat

નડિયાદના એક્સપ્રેસ હાઇવે પર કારનું ટાયર ફાટતાં ટ્રકમાં ઘૂસી, તારાપુર નજીક પણ લક્ઝરી-ટ્રકની ટક્કર, દાહોદમાં ત્રણ પિતરાઇ ભાઇના મોત

આજે ચાર અલગ અલગ અકસ્માતોની ઘટના સામે આવી છે. જેમાં કુલ સાત લોકોના મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પૂરપાટ જતી કારનું ટાયર ફાટી જતાં તે ટ્રક સાથે ભટકાતા ત્રણ લોકોના મોત થયા છે.

અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઇવે પર અંદાજીત 15 કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થયો હતો. અકસ્માતની બીજી ઘટના દાહોદમાંથી સામે આવી છે. તોયણી ગામે મોડી રાતે બે બાઈક વચ્ચે ધડાકાભેર ટક્કર થતા સર્જાયેલા અકસ્માતમા 3 યુવકોના મોત થયા છે.

ત્રીજો અકસ્માત બગોદરા-વટામણ હાઇવે પર થયો છે. તારાપુર ચોકડી નજીક ખાનગી કંપનીની લકઝરી બસ અને ટ્રક ભટકાયા છે. અકસ્માતની ચોથી ઘટના સુરતથી સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.

ડિવાઈડર કૂદીને કાર ટ્રકમાં ઘૂસી ગઇ અમદાવાદ-વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક મંગળવારની મોડી રાત્રે બિલોદરા બ્રિજ નજીક એક ગોઝારા અકસ્માત સર્જાયો હતો. જેમાં પસાર પૂરપાટ જતી કારનું એકાએક ટાયર ફાટતા આ કાર ડિવાઈડર કૂદી રોગ સાઈડે ઘૂસી હતી અને સામેથી આવી રહેલ ટ્રક સાથે અથડાઈ હતી. આ બનાવમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર એક મહિલા સાથે બે પુરુષોના મોત થયા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

મૃતકોમાં એક મહિલા અને બે પુરુષ અકસ્માતની જાણ થતાંની સાથે જ નડિયાદ રૂરલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે મૃતકોની ઓળખ છતી કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. સાથે સાથે ઈજાગ્રસ્ત વ્યક્તિઓનાં નિવેદન લેવાની કાર્યવાહી આરંભી છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

અવાજ આવતા જ હું સ્થળ પર પહોંચ્યો: સ્થાનિક સ્થાનિક પ્રવીણસિંહે રાઠોડે જણાવ્યું હતું કે, મોડી રાત્રે અવાજ આવતા તેઓ તરત એક્સપ્રેસ હાઇવે પર આવી પહોંચ્યા હતા. જ્યાં ટ્રક થોડે દુર આગળ પડી હતી અને કાર થોડે દુર, એ બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કારના કાટમાળને હટાવ્યો હતો. જેમાં ત્રણના મૃતદેહને બહાર કાઢ્યા હતા, તો બે ઇજાગ્રસ્તોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

અંદાજિત 15 કિલોમીટર ટ્રાફિકજામ સર્જાયો આ અકસ્માત સંદર્ભે એક્સપ્રેસ હાઇવેના મેન્ટેન્સ વિભાગના મેનેજર રાજેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું કે, આ અકસ્માત અમદાવાદ-વડોદરા લેન પર‌ સર્જાયો હતો. આ બાદ બંને વાહનોને રોડ પરથી ખસેડવા માટે થોડો સમય હાઈવે બંધ કરાયો હતો. જેના કારણે અંદાજિત 15 કિલોમીટર જેટલો ટ્રાફિકજામ સર્જાયો હતો, આ ઉપરાંત અકસ્માત ગ્રસ્ત જે ટ્રક હતી તે ચાલુ ન થતા વધારે સમય લાગતા આ લેન પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે હાલ ટ્રાફિકને ખુલ્લો કરાયો છે.

મૃતકોનાં નામ

  • દલપતભાઈ ચમનાજી પુરોહિત (ઉ.વ. 38, ડ્રાઈવર, રહે. વરાછા, સુરત)
  • સુભઢીદેવી ચમનાજી પુરોહિત (ઉ.વ.71, રહે. વરાછા, સુરત)
  • દિનેશ પ્રભારામ પુરોહિત (ઉ.વ.41, રહે. વરાછા, સુરત)

રાજસ્થાન લગ્ન પ્રસંગેથી પરત સુરત આવતા અકસ્માત સર્જાયો: ઈજાગ્રસ્ત આ ગોઝારા અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત છે. જેમાં ફુલારામ છોગાજી પ્રજાપતિ (ઉ.વ.41, રહે.સુરત) અને મનીષાબેન દિનેશભાઈ પુરોહિત (ઉ.વ.14, રહે.સુરત)નો સમાવેશ થાય છે. આ ગોઝારા અકસ્માતમાં મોતના મુખમાંથી બચેલા ફુલારામ પ્રજાપતિએ જણાવ્યું કે, અમે સૌ રાજસ્થાન ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ આ અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી સુરત આવતા હતા ત્યારે એક્સપ્રેસ હાઇવે પર આ ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકો મોતનો કાળ બની ગયા છે.

​​​​​​​બીજો અકસ્માત દાહોદમાં થયો ​​​​​​​બીજો અકસ્માત દાહોદમાંથી સામે આવી છે. દેવગઢ બારીયા તાલુકાના તોયણી ગામનો બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાઈક પર સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા એકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ જ્યારે અન્ય બે યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા, જ્યારે બીજી બાઈક પર સવાર ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા છે.

ત્રણ પિતરાઇ ભાઇઓના મોત મળતી માહિતી મુજબ દેવગઢ બારીઆ તાલુકાના તોયણી ગામે પીપલોદ-રણધીકપુર રોડ પર ગત મોડી રાત્રે બે મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ અકસ્માત અંગેની જાણ કરતા ઈમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા, અકસ્માત દરમિયાન બંન્ને બાઇક પર ત્રણ ત્રણ લોકો સવાર હતા, જેમા એક બાઇક સવાર ત્રણ પિતરાઈ ભાઈઓને ગંભીર જીવલેણ ઈજાઓ થતા એક યુવકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ જ્યારે અન્ય 2 યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક બાઇક સવાર ત્રણ ઈસમો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા છે, વડેલા ગામના ત્રણ પિતરાઈ ભાઈઓના મોત નિપજતા પરિવારમા શોકનુ મોજુ ફરી વળ્યુ છે.અકસ્માતની જાણ થતા પીપલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજો અકસ્માત બગોદરા-વટામણ હાઇવે પર થયો ત્રીજો અકસ્માત બગોદરા-વટામણ હાઇવે પર થયો છે. તારાપુર ચોકડી નજીક ખાનગી કંપનીની લક્ઝરી બસ અને ટ્રક ભટકાતા 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ સુરતથી જૂનાગઢ જતી એક ખાનગી લક્ઝરી બસના ચાલકને ઝોકું આવતાં બસ આગળ જતી ટ્રકની પાછળ ધડાકાભેર ટકરાઈ હતી. જેમાં 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં 6 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.

6 ઈજાગ્રસ્તોને અમદાવાદ ખસેડાયા આ અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો બગોદરા, બાવળા, ફેદરાથી એમ્બ્યુલન્સો પહોંચીને તાત્કાલિકના ધોરણે ઈજાગ્રસ્તોને બગોદરા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડ્યા હતા. બીજી તરફ 6 ગંભીર રીતે ઈજાગ્રસ્તોને અમદાવાદની હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરાયા હતા.

સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત અકસ્માતની ચોથી ઘટના સુરતથી સામે આવી છે. સુરતના કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાં પસાર થતા નેશનલ હાઇવે પર કામરેજ સુગર નજીક એક શ્રમજીવી હાઇવે ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને આ રાહદારીને અડફેટમાં લીધો હતો. જેને લઇને રાહદારી હાઇવે પર ફંગોળાઈ ગયો હતો અને શરીરે ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ભાગી ગયો હતો.

હાઇવે ક્રોસ કરી રહેલ રાહદારીને અજાણ્યા વાહને અડફેટે લીધો ઘટનાની જાણ સુરત જિલ્લા NHAI વિભાગને થતા NHAI વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં પૂરપાટ ઝડપે દોડી રહેલ વાહનો અવાર નવાર આ પ્રકારના અકસ્માતો સર્જી રહ્યા છે અને નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે.