ઓલપાડ નગર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં બાળકો પોતાનાં જન્મદિવસની ઉજવણી ચોકલેટ વહેંચીને નહીં, પરંતુ પોતાની શાળા કે પોતાનાં ઘરે વૃક્ષારોપણ કરી જન્મદિવસ યાદગાર બનાવે છે. નવા વર્ષથી આ પ્રશંસનીય બીડુ ઉપાડવાનો વિચાર શાળાનાં ઉપશિક્ષિકા જાગૃતિ પટેલે અમલમાં મૂક્યો, જેને શાળા સ્ટાફગણ સહિત બાળકોએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
શાળાનાં આચાર્ય અમિત પટેલે આ પહેલને વધાવી જણાવ્યું હતું કે બાળકોમાં પોતાનાં જન્મદિવસે વૃક્ષારોપણ કરીને પ્રવર્તમાન સમયની પર્યાવરણીય સમસ્યાઓનાં સમાધાનમાં પોતાનો પણ નાનકડો સહયોગ છે એવો ભાવ પ્રગટે અને સાથોસાથ વાલીજનો પણ આ વિશે જાગૃતિ કેળવે તે વૃક્ષારોપણનો મુખ્ય હેતુ છે.

