પરિણામે અહીં રહેતા શિક્ષક દંપતિને પોતાના ઘરમાં પ્રવેશવા પાડોશીના ઘરમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે !. પારાવાર હાલાકી ભોગવતા શિક્ષક કમસેકમ ચાલી શકાય તે માટે કેડી જેટલો રસ્તો ખુલ્લો કરી આપવા બે હાથ જોડીને આજીજી કરી રહ્યા છે. પરંતુ કોઈ સાંભળતું નથી.
શહેરમાં અનેક જુનવાણી બિલ્ડીંગો આવેલી છે. જેના માલિકો, ટ્રસ્ટીઓ વર્ષોથી બહાર ગામ વસે છે. લાંબા સમયથી બંધ હાલતમાં રહેલી જર્જરિત અને જોખમી ઈમારતોથી સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદના સમયે રાહદારીઓ, લોકોના જાનમાલને નુકશાન ન થાય તે માટે તાકીદે ઉતારી લેવા ન.પા. દ્વારા તેના માલિકો કે ટ્રસ્ટીઓને નોટીસ આપવામાં આવે છે.
પરંતુ જૂજ કિસ્સાઓને બાદ કરતાં આ બાબતને ખાસ ગંભીરતાથી લેવામાં આવતી નથી. ત્યારે શહેરના ગાય ચોગાન વિસ્તારમાં ગોકુલ નાથજી મંદીર પાસે આશરે ૭૦ થી ૮૦ વર્ષ જુનું ટ્રસ્ટનું બે માળનું મકાન ગમે ત્યારે ઘસી પડે તેવી સ્થિતિમાં હોવાની નજીકના રહેવાસી હરીશભાઈ જમનાદાસ શાહે ન.પા.માં મૌખિક રજૂઆત પણ કરી હતી અને ટ્રસ્ટીને પણ માહિતગાર કર્યા હતા. પરંતુ ન.પા.એ મકાનની બહાર અતિ જર્જરિત એવી ઈમારતથી દુર રહેવાની જાહેર ચેતવણી આપતી નોટીસ ચિપકાવી સંતોષ માની લીધો હતો.
દરમ્યાન ગત તા.૧૧ નવેમ્બરે મધરાતે આ મકાન ધડાકાભેર તુટી પડ્યું હતું. સદભાગ્યે જાનહાનિ થવા પામી ન હતી. જો કે બાજુમાં જ રહેતા શિક્ષક હરીશભાઈના મકાનમાં નુકસાન થવા પામ્યું હતું. હજુ પણ એક દિવાલ તુટી પડે તેવી હાલત વચ્ચે હાલવા ચાલવાના રસ્તે એક માળ સુધી કાટમાળ વેરવિખેર પડ્યો છે. અહીંથી અવરજવર થઈ શકે તેવી કોઈ સ્થિતિ નથી. આવક જાવક માટેનો રસ્તો સદંતર બંધ થઈ ગયો હોય, ટ્રસ્ટીને જાણ કરતા તેઓએ કાટમાળ ત્યાંથી ખસેડી લેવાની હૈયાધારણા આપી હતી.
ત્યારબાદ પણ મૌખિક રજૂઆતો કરતા કાટમાળ ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે, કોન્ટ્રાકટરને કહો તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. કોન્ટ્રાક્ટર પણ કહેવા પુરતો થોડો કાટમાળ હટાવી અદ્રશ્ય થઈ ગયા છે. આ બાબતે ન.પા.ને પણ લેખિત રજૂઆત કરી છે. પરંતુ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. સૌ કોઈ પોતાની જવાબદારીથી હાથ ખંખેરી રહ્યા છે. શિક્ષક માટે જાયે તો કહાં જાયે જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવે તેઓ પોતાના પ્રશ્નના નિરાકરણ માટે જીલ્લા કક્ષાના મુખ્યમંત્રી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં પોતાની સમસ્યા રજૂ કરશે.
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

