Gujarat

વિરમગામ રેલ્વે જંકશન કહેવાય પરંતુ 15 વિકલી ટ્રેનના સ્ટોપેજ નહીં : બિઝનેસ હબ તરીકે વિકાસશીલ વિસ્તારને અન્યાય

સૌરાષ્ટ્રનું મુખ્ય પ્રવેશ દ્વારા ગણાતું વિરમગામ ભારતીય રેલવે તંત્રમાં પશ્ચિમ વિભાગના વિરમગામ જંકશન એક આગવું નામ છે. ભારત સરકાર દ્વારા વિવિધ રેલવે સ્ટેશનનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે,જેમાં વિરમગામ રેલવે સ્ટેશનનું પણ રૂપિયા 45 કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ સહિતનું બિલ્ડીંગ નવું બનાવવામાં આવી રહ્યું છે.

ત્યારે રેલ્વે મંત્રાલય દ્વારા અમદાવાદથી કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આવતી જતી 15 જેટલી વીકલી ટ્રેનોનું વિરમગામ સ્ટોપેજ નહીં આપી ઝડપથી વિકસી રહેલ વિરમગામ શહેર પંથકના નાગરિકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે.

વિરમગામ પંથકમાં ટાટા,મારુતિ,હોન્ડા જેવી કંપનીઓ સહિત મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. ત્યારે વિવિધ કંપનીઓમાં પરપ્રાંતીય લોકો પણ મોટા પ્રમાણમાં નોકરી કરી રહ્યા છે. ઉત્તર ગુજરાત તરફ વિરમગામ જંકશનથી પડતી ટ્રેનની વાત કરીએ તો વિરમગામ-મહેસાણા રેલ્વે લાઈનનું મીટર ગેજ માંથી બ્રોડગેજમાં રૂપાંતર થયાને દસકાઓ થઈ ગયા છતાં આ રૂટ ઉપર વિરમગામ-મહેસાણા વચ્ચે લોકલ સવારે 06:45 કલાકે વિરમગામ થી લોકલ ટ્રેન મહેસાણા જાય છે અને તે જ ટ્રેન 10:30 કલાકે વિરમગામ પાછી આવે છે

જ્યારે સાંજે 6:30 કલાકે વિરમગામ-મહેસાણા ટ્રેન મહેસાણા જઈ સાંજે 9:30 કલાકે વિરમગામ પરત આવે છે. ત્યારે વિરમગામ જંકશન રેલવે સ્ટેશન હોય મહેસાણા ઉત્તર ગુજરાત તરફ કોરોના સમય પહેલા બપોરના સમયે પણ ટ્રેનની સુવિધા હતી જે બંધ કરી દેવામાં આવેલ છે.