Gujarat

રફ ડાયમંડની આવક ઘટતાં હજુ 100 કારખાનાં બંધ, રત્ન કલાકારોએ કેબ સર્વિસ, નાસ્તાની લારી શરૂ કરી

ડાયમંડ માર્કેટમાં હાલ મંદીનો દોર ચાલી રહ્યો છે, જેના પગલે દિવાળી પહેલા શહેરમાં ચાલતા 400થી વધુ હીરાના કારખાનામાંથી હજુ 300થી વધુ કારખાના જ શરૂ થયા છે. જ્યારે બાકીના કારખાના આગામી દિવસોમાં શરૂ થાય તેવી શક્યતા અમદાવાદ ડાયમંડ એસોસિએશનના અગ્રણીઓએ વ્યક્ત કરી છે.

વધુમાં આ મંદી માટે સૌથી મોટું કારણ યુક્રેન રશિયા વચ્ચે તેમ જ ઈઝરાયલ ગાજાપટ્ટી વચ્ચે ચાલતા યુદ્ધ હોવાનું જણાવી અગ્રણીઓએ જણાવ્યું હતું કે, યુદ્ધને કારણે રશિયા અને બેલ્જિયમથી આવતા રફ ડાયમંડમાં પણ ઘટાડો થયો છે. જેના કારણે આવક ઘટતા કારખાનામાં કામ પણ ઘટ્યું છે.

મંદીને કારણે કારખાનામાં કામ કરતા રત્ન કલાકારોને દિવાળી પહેલાની આવકની સરખામણીમાં હાલ આવક પણ 30થી 40 ટકા ઘટી ગઈ છે. કોઈ કેબ સર્વિસમાં તો કોઈ બાઈક કે રિક્સા ચલાવવાની સાથે કોઈએ નાસ્તાની લારી શરૂ કરી છે.

ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જયસુખ કોલડિયા તેમ જ કમલેશભાઈએ જણાવ્યું કે, હાલમાં યુદ્ધની પરિસ્થિતિમાં રફ ડાયમંડની આવક ઓછી છે. તેની સાથે જ અહીં કારખાનામાં તૈયાર થતા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તૈયાર ડાયમંડની ડિમાન્ડ પણ ઘટી જતાં એક્સપોર્ટ પણ ઘટ્યું છે.