Gujarat

ગાંધીનગર જિલ્લામાં વર્ષ દરમિયાન ખનિજ ચોરીના 225 કેસ નોંધાયા, બે દિવસમાં છ વાહનો જપ્ત કરી 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર જિલ્લાના ખાણ ખનીજ તંત્રની ટીમોએ ભૂ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરીને ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહના કુલ 225 કેસો કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં જ તંત્રએ ખનિજ ચોરીના કુલ 6 વાહનો મળી આશરે 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ગાંધીનગર કલેક્ટર મેહુલ દવેના નેતૃત્વમાં ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ તંત્રની ક્ષેત્રીયટીમ દ્વારા જીલ્લામાં છેલ્લા બે દિવસમાં વાહન ચેકીંગની સઘન કામગીરી અલગ-અલગ વિસ્તારમાં રાત્રિ-દિવસના સમયે સાદીરેતી અને સાદીમાટી ખનિજના બિનઅધિકૃત રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતાં 6 વાહનો પકડી લેવાયા છે.

જેમાં કલોલ કલોલ તાલુકાના મોટી ભોયણથી ઓવરલોડ સાદી રેતી ભરી વહન કરતું ડમ્પર, ખાત્રજ ગામ ખાતેથી રોયલ્ટી પાસ વિના સાદી રેતી ભરેલું ટ્રેક્ટર તેમજ માણસાનાં લાકરોડા થી પણ ટ્રેકટર પકડી લેવાયું હતું.

એજ રીતે ગાંધીનગર તાલુકાના વાસણા-હડમતીયા ગામ ખાતેથી ડમ્પર, નાના ચિલોડા ખાતેથી ડમ્પર મળીને કુલ છ વાહનો પકડી કુલ રૂ. 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો 2017 ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, આજ દિન સુધી ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહના કુલ 109 કેસો કરી 85.06 લાખની વસુલાત કરવામાં આવી છે. તેમજ ચાલુ વર્ષ-2024/25 દરમ્યાન ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહના કુલ 225 કેસો કરી 223.43 લાખની વસુલાત કરવામાં આવી છે.

તેમજ 1599.32 લાખની દંડકીય રકમની ખનિજના બિનઅધિકૃત ખનનની કુલ બે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી. તેમજ અન્ય 4 કેસોમાં કુલ દંડની વસુલાતની નોટીસ આપવામાં આવી છે.