Gujarat

માંગરોળ શહેરના કચરાનો મુદ્દો ફરી ગરમાયો

નજીકના શાપુર ગામે ગૌચરની જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ કરી ઠાલવવામાં આવી રહેલી ગંદકી મુદ્દે ગ્રામજનોમાં પ્રવર્તી રહેલા ભારે રોષ વચ્ચે તાજેતરમાં કચરો ઠાલવતા ન.પા.ના ટ્રેક્ટરોને રોકી દેવાયા હતા. તંત્રને આજીજી બાદ છેલ્લા બે દિવસથી આ બાબતે પ્રસરી રહેલી ગરમાગરમી વચ્ચે હવે આ વિવાદ પોલીસ સમક્ષ પહોંચ્યો છે. શાપુરના સરપંચે ન.પા.ના ચીફ ઓફિસર, વહિવટદાર સહિતના વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવા મરીન પોલીસમાં ફરીયાદ આપતા ભારે ચર્ચા જાગી છે.
શહેરભરનો એકત્ર થતો અંદાજે દૈનિક ૧૮ થી ૨૦ ટન કચરો નાંખવા અત્યાર સુધી નીમ થયેલી મોટાભાગની જગ્યાએ તંત્રને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે શાપુર ગ્રા.પં.ની ગૌચર ખેડખાતા નં.૧૨૬, ગૌચર રે.સ.નં.૧૬૯/૫, હે. ૫-૫૯-૪૮ આરે. વાળી ખુલ્લી જમીનમાં માંગરોળ નગરપાલિકા દ્વારા ગ્રામ પંચાયતની કોઈ પણ પરવાનગી વિના અતિક્રમણ કરી, ટ્રેક્ટરો મારફત પ્લાસ્ટિક, ગટરોનો દુર્ગંધયુકત કચરો, મૃત પશુઓ, પશુઓની કતલ બાદ નીકળતો લાદો, સહિતની ગંદકી લાંબા સમયથી ઠાલવવામાં આવી રહી છે.
પરિણામે પ્રદુષિત થતું વાતાવરણ, જાહેર આરોગ્ય તેમજ કુતરા, ભુંડ, શિયાળ તેમજ કાગડા સહિતના માંસભક્ષી પક્ષીઓ ગંદકીમાંથી મરેલા પશુઓ, હાડકાં સહિતના અવશેષો ગામ સુધી તાણી લાવતા હોય આ બાબતે શાપુર ગામના અગ્રણી અને પૂર્વ તા.પં. પ્રમુખ શરદભાઈ મહેતાએ ટીડીઓને રજૂઆતો કરી હતી. જે અંતર્ગત આ જગ્યાનું રોજકામ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ ચિફ ઓફીસરને પત્ર પાઠવી આ જગ્યા પર ઘન, પ્રવાહી કચરો નાંખવા બંધ કરવા પત્ર પાઠવ્યો હતો. તેમ છતાં અહીં બેરોકટોક કચરો ઠાલવવામાં આવી રહ્યો છે.
આ પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતાં તાજેતરમાં ગ્રામજનોની મિટીંગ પણ મળી હતી. બે દિવસ પહેલા કચરો ઠાલવવા આવતા પાલિકાના ૧૦ થી ૧૨ ટ્રેક્ટરોને પણ અટકાવી દેવાયા હતા. ત્યારબાદ ટીડીઓ સમક્ષ આ અંગે આગેવાનો દ્વારા ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી હતી. જો કે હજુ પણ આ જ જગ્યાએ કચરો ઠલવાઈ રહ્યો હોય, પેચીદા બનેલા પ્રશ્ને સરપંચ ધીરૂભાઈ પરમારે પાલિકાના જવાબદારો વિરુદ્ધ જાહેર ત્રાસદાયક કૃત્ય, તંદુરસ્તી માટે હવાને નુકશાનકારક થાય તેવી કરવાનું કૃત્ય, બગાડ, ગુનાહિત અપપ્રવેશ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંઘવા ફરીયાદ આપતા ચકચાર મચી છે.
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ