જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીની સૂચના મુજબ પ્રાંત અધિકારીની સરાહનીય કામગીરી
ઉપલેટા તાલુકાના હાડફોડી ગામમાં ઉપલેટા નગરપાલિકા હસ્તકના સર્વે નંબર ૧૮ પૈકી ગૌચરની જમીન પર ૭૦ જેટલા દબાણકારોએ કરેલા દબાણો તંત્રએ તોડી પાડ્યા છે અને રૂપિયા ૧૦૦ કરોડની કિંમતની આશરે ૧૨૦૦ વિઘા જેટલી વિશાળ જમીન ખુલ્લી કરાવી છે.
ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે ઉપલેટા નગરપાલિકાની માલિકીની સર્વે નંબર ૧૮ પૈકી આશરે ૨૫૨ હેક્ટર ગૌચરની જમીન આવેલી છે. આ જમીન પર કુલ.૭૦ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. આથી ઉપલેટા નગરપાલિકાએ દબાણકારોને નોટિસ ફટકારીને દબાણો દૂર કરવા જણાવ્યું હતું. પરંતુ દબાણકારોએ દબાણો ન હટાવતાં, જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીની સૂચના મુજબ, નાયબ કલેક્ટર શ્રી નાગાજણ. એમ. તરખાલાની આગેવાનીમાં ડિમોલીશન હાથ ધરાયું હતું.
જેમાં રેવન્યુ વિભાગની ટીમના ઉપલેટા મામલતદાર શ્રી નિખિલ મહેતા, પી.આઈ. શ્રી બી. આર. પટેલની આગેવાનીમાં પોલીસની ટીમ તથા ઉપલેટા ચીફ ઓફિસર સુશ્રી નિલમબેન ઘેટીયા, ધોરાજી ચીફ ઓફિસર શ્રી જયમલ મોઢવાડીયા અને ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દેવાભાઈ કંડોરિયા, નાયબ મામલતદાર શ્રી વિરસિંહ સોલંકીની હાજરીમાં મેગા ડિમોલીશન શરૂ થયું હતું.
જેમાં કુલ ૧૦૦થી વધુ કર્મચારીઓ તેમજ ૧૦ જે.સી.બી. તથા ૧૫ રોટાવેટર તથા અન્ય સાધનોની મદદથી તમામ દબાણો દૂર કરીને, અંદાજે રૂ. ૧૦૦ કરોડની ૨૦૦ હેક્ટર (૧૨૦૦ વિઘા) ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ જમીનનો કબ્જો ઉપલેટા નગરપાલિકા દ્વારા સંભાળી લેવામાં આવ્યો હોવાનું ધોરાજી-ઉપલેટા પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું હતું.