તાજેતરમાં લોકસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા એવા અમીત શાહે બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકરની ટીકા કરી હતી. જે મામલે પુરા દેશમાં વિરોધ થઈ રહ્યો છે. આજે સોમવારે નડિયાદમાં ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગ દ્વારા આ મુદ્દે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા છે.
નડિયાદ શહેરના સંતરામ રોડ પર આવેલ ડો.બાબાસાહેબની પ્રતિમા પાસે સવારે 10થી 12 બે કલાક બેસી ધરણા યોજાયા છે. જેમાં ‘અમિત શાહ માફી માંગે’ તેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. બાબાસાહેબ આંબેડકરનુ અપમાન થતાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ ધરણા યોજાયા છે.
આ ધરણા બાદ ડભાણ રોડ પર આવેલ કલેકટર કચેરી ખાતે કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભી, કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિનેશચંદ્ર રાઠોડ સહિત જિલ્લાના કાર્યકરો, પૂર્વ ધારાસભ્યો, તાલુકા પ્રમુખો, શહેર પ્રમુખો, જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા.

આ સંદર્ભે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજે અહીયા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને ગૃહમંત્રી અમીત શાહની રાજીનામાની માગણી સાથે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવાના છે.