Gujarat

પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વગર ઉભેલા ડમ્પર પાછળ બાઇક અથડાયું, ડાકોરમાં એક સપ્તાહમાં ભારે વાહનથી બીજો અકસ્માત

ડાકોરમાં ડમ્પર ચાલકની બેદરકારીએ એક નિર્દોષનો જીવ લીધો છે. રોડની સાઈડમાં પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વગર ઉભેલા ડમ્પર પાછળ મોટરસાયકલ અથડાતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. આ બનાવ મામલે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ડાકોર નગરમાં ડુંગરા ભાગોળ વિસ્તારમાં કૌશિકભાઈ ભલાભાઈ રાઠોડ રહે છે. તેઓની આ વિસ્તારમાં ડાકોર-મહુધા રોડ પર ચ્હા-નાસ્તાની હોટલ આવેલી છે. ગતરોજ રાત્રે 10 વાગ્યાના અરસામાં ઉપરોક્ત રોડ પર વાહન અથડાવવાનો જોરદાર અવાજ આવતા કૌશિકભાઈ રાઠોડ ત્યાં દોડી ગયા હતા. જોકે ત્યાં ઉભેલા ડમ્પર એકાએક રવાના થઈ ગયું હતું.

બેટરીના અજવાળે જોયું તો એક વ્યક્તિ મોટરસાયકલ સાથે રોડ પર પટકાયેલો જોવા મળ્યો હતો. જે બાદ તેમણે તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એ બાદ 108 એમ્બ્યુલન્સ આવતા ચેક કરતાં આ મોટરસાયકલ ચાલક મૃત્યુ પામ્યો હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ ડાકોર પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ બનાવ સ્થળે દોડી આવી મૃતકના વાલી વારસો શોધવા ચક્રોગતિમાન કર્યા હતા. દરમિયાન આ મૃતક મોટરસાયકલ ચાલકનું નામ નરેશ બુધાભાઈ (ઉ.વ.23, રહે.સૈયાત, તા.ઠાસરા) હોવાનું જાણવા મળ્યું હતું.

ડાકોર પોલીસે આ મામલે ડમ્પર ચાલકની બેદરકારી હોય તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વગર આ ડમ્પર ઉભું હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.

મહત્વનું છે કે, એક સપ્તાહ પહેલા જ ટ્રેલર ચાલકના વાકે એક મહિલાનો જીવ ગયો‌ હતો ત્યારે આજે વધુ એક ભારવાહક વાહનની બેદરકારીએ એક નિર્દોષનો જીવ ગયો છે. ડાકોરમાં ભારવાહક વાહન પર પ્રતિબંધ મુકવા પણ વાહનચાલકોએ માંગ કરી છે.