Sports

નીતિશકુમાર રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની ડેબ્યુ સિરીઝમાં ગજબના ખેલનું પ્રદર્શન કર્યું

ઉભરતા ખેલાડી નીતિશકુમાર રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની ડેબ્યુ સિરીઝમાં ગજબના ખેલનું પ્રદર્શન કર્યું છે. સમગ્ર સિરીઝમાં જ્યારે પણ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મૂકાઈ તો આ યુવા ખેલાડીએ જબરદસ્ત બેટિંગ કરીને કાંગારુ બોલરોના નાકમાં દમ લાવી દીધો. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ મેલબર્નમાં રમાઈ રહી છે.

આ બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં નીતિશ રેડ્ડીએ પોતાની ટેસ્ટ કરિયરની પહેલી અડધી સદી ફટકારી છે અને પોતાના આ અનોખા સેલિબ્રેશનથી બધાને પોતાના ફેન બનાવી દીધા. ભારતીય ક્રિકેટ ટીમ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર એક ખેલાડી કે જેણે સૌથી વધુ પ્રભાવિત કર્યા છે તે છે નીતિશકુમાર રેડ્ડી. દરેક મેચ સાથે તેની બેટિંગમાં નિખાર જાેવા મળી રહ્યો છે. છેલ્લી ત્રણ મેચમાં ફિફ્ટી તરફ આગળ વધ્યો પરંતુ તે ત્યાં સુધી પહોંચી શક્યો નહીં. પરંતુ બોક્સિંગ ડે ટેસ્ટને તેણે યાદગાર બનાવી.

નીતિશ રેડ્ડીએ ટેસ્ટ કરિયરની પહેલી ફિફ્ટી મેલબર્ન ટેસ્ટની પહેલી ઈનિંગમાં ફટકારી. હજુ તે રમતમાં છે. નીતિશ રેડ્ડી આ સિરીઝમાં અત્યાર સુધીમાં ત્રણ વખત ૪૨ રનના સ્કોર સુધી પહોંચ્યો પરંતુ ફિફ્ટી કરી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં તેણે આ મુકામ મેળવી લીધો. ભારતે એક સમયે ૧૯૧ રન પર ૬ વિકેટ ગુમાવી હતી. અને ત્યારે નીતિશ રેડ્ડી મેદાન પર ઉતર્યો. તેણે પહેલા રવિન્દ્ર જાડેજા સાથે મળીને ઈનિંગ સંભાળી અને ત્યારબાદ વોશિંગ્ટન સુંદર સાથે મળીને ફોલોઓનનું જાેખમ ટાળ્યું.

નીતિશ રેડ્ડીએ બોક્સિંગ ડે ટેસ્ટમાં ૮૧ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી પોતાની પહેલી ટેસ્ટ અડધી સદી પૂરી કરી. આ દમદાર ફિફ્ટી તેણે ચોગ્ગો ફટકારીને પૂરી કરી. ત્યારબાદ આ પહેલી ટેસ્ટ અડધી સદીનું સેલિબ્રેશન પણ તે સમયે સૌથી વધુ ચર્ચામાં રહ્યું જ્યારે તેણે પુષ્પા ફિલ્મના સિગ્નેચર સ્ટાઈલમાં આ સેલિબ્રેશન કર્યું.

પ્રથમ ઈનિંગમાં ભારતે હાલ ૭ વિકેટ ગુમાવીને ૩૨૬ રન કર્યા છે. જેમાં નીતિશકુમાર રેડ્ડીના ૮૫ રન મુખ્ય છે. નીતિશને વોશિંગ્ટન સુંદરનો પણ ગજબનો સાથ મળી રહ્યો છે. વોશિંગ્ટન સુંદર પણ દમદાર પ્રદર્શન કરી રહ્યો છે અને ૧૨૧ બોલમાં ૪૦ રન સાથે રમતમાં છે. ભારતને ફોલોઓન ટાળવામાં સફળતા મળી છે. પરંતુ હજુ પણ ૧૪૭ રન પાછળ છે.