Gujarat

ધોરાજીમાં ૧૧૦૦ ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરી રૂ. ૨૨ લાખની જમીન ખુલ્લી કરાવાઈ

ખુલ્લી થયેલી જગ્યા પર ફાયર સ્ટેશન બનશે: ધોરાજીમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રહેશે

રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ જિલ્લામાં ગેરકાયદે દબાણ હટાવવા- તોડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત આજે ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ૧૧૦૦ ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરીને, આશરે રૂ.૨૨ લાખની કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા ત્રણ દરવાજા તરફ જતા રસ્તા ઉપર આશરે કુલ ૪૦ આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદે રેકડીઓ રાખી દબાણ કરાયું હતું. છેલ્લા ૧૦ વર્ષથી તેઓને નિયત અન્ય જગ્યાએ જમીન ફળવાયેલી હતી. આમ છતાં પણ તેઓ તે જગ્યાનો ઉપયોગ નહોતા કરતા અને અંદાજીત ૧,૦૦૦ ચોરસ વાર જેટલી, અંદાજે કિંમત રૂ.૨૦ લાખની કિંમતની જમીન પર દબાણ કરતા હતા.

આ ઉપરાંત સુધરાઈ કોલોની તરફ જતા રોડની ફુટપાથ પર કુલ ૦૨ આસામીઓ દ્વારા શાકભાજીનો થડો તથા કેટલ શેડ રાખીને, અંદાજીત ૧૦૦ ચોરસવાર અને અંદાજે રૂ. બે લાખની કિંમતની જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું.

દબાણકારોને દબાણો દૂર કરવા માટે સૂચના તથા નોટિસ આપવા છતાં દબાણો દૂર કરતા નહોતા. આથી

ધોરાજીના પ્રાંત અધિકારી શ્રી નાગાજણ એમ.તરખાલા તથા ધોરાજી ચીફ ઓફિસર શ્રી જયમલ મોઢવાડિયા અને મામલતદારશ્રી દ્વારા આજે કુલ મળીને ૧૧૦૦ ચોરસ વાર જગ્યા અને રૂ.૨૨ લાખની કિંમતની જમીન પરથી દબાણો દૂર કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ખુલ્લી થયેલી જગ્યા ઉપર આગામી સમયમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જ્યારે આગામી સમયમાં ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં અન્ય જાહેર રસ્તાઓ પરના દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે, તેમ ધોરાજી નગરપાલિકાની યાદીમાં જણાવ્યું છે.