Gujarat

ગોમટા પી.એચ.સી. દ્વારા ગુંદાળા ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો

આયુષ્માન કાર્ડ તેમજ આરોગ્ય તપાસણીનો લાભ લેતા શ્રમિકો

ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ટીબી નિર્મૂલન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આ ઝુંબેશ અંતર્ગત માર્ગદર્શક સેમીમનાર તેમજ આરોગ્ય ચકાસણી કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને ગોમટા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગુંદાળા સંજીવની આવાસ તેમજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આરોગ્ય  કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ તકે ૧૦૦ દીવસ ટીબી પ્રોગ્રામ તેમજ સગર્ભાને લગતી આરોગ્ય યોજના અને રસીકરણનું મહત્વ સહીત અન્ય યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં આયુષ્માન કાર્ડ કાઢી આપવાની કામગીરી હાથ ધરાયેલી જેમાં ૨૨ લોકોને કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત આરોગ્ય ચકાસણી અંતર્ગત સ્થળ પર ૮૦ જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં બી.પી. ડાયાબિટીસ સહીત આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

આ તકે ગોંડલ પ્રાંત અધિકારીશ્રી રાહુલ ગમારા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ગોયલ, મેડિકલ ઓફિસર ડો. મિલન હાપલીયા સહિતના અધિકારી કર્મચારીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.