Gujarat

રાધનપુર તાલુકાના શેરગંજ ગામે SBMની નવી લહેર: સ્વચ્છતા તરફ મહિલાઓનો સક્રિય સંકલ્પ

મહિલાઓને કચરાના વ્યવસ્થાપન માટે સરળ અને વ્યવહારૂ પદ્ધતિઓ સમજાવવામાં આવી…
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગંજ ગામે સ્વચ્છતા જાગૃતિ માટે સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ)નો અદ્રિતીય પ્રયાસ સફળ સાબિત થયો છે. SBMના કલસ્ટર કો ઓર્ડિનેટર જગદીશભાઈ શુક્લ અને અલ્પેશભાઈ બારોટ તથા બ્લોક કો ઓર્ડિનેટર હર્ષદભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ ગામની મહિલાઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘન અને પ્રવાહી કચરાના યોગ્ય પ્રબંધન પર વિશેષ ધ્યાન આપાયું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓને કચરાનું વર્ગીકરણ કરવા, ઓર્ગેનિક કચરાને ખાતર તરીકે વાપરવા અને પ્લાસ્ટિકના મર્યાદિત ઉપયોગ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન SBM કર્મચારીઓ દ્વારા લાઈવ પ્રદર્શન કરીને મહિલાઓને કચરાના વ્યવસ્થાપન માટે સરળ અને વ્યવહારૂ પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી. તેમજ ઓર્ગેનિક અને અજૈવ કચરાને અલગ રાખીને તેની યોગ્ય પદ્ધતિઓ સાથે નિકાલ કરવાની રીતો શીખવવામાં આવી હતી. ગામના મોટાભાગના પરિવારોએ બે અલગ-અલગ ડસ્ટબિનનો ઉપયોગ શરૂ કર્યો છે, જે સ્વચ્છતા તરફનું મહત્વનું પગલું સાબિત થયું છે. SBM ટીમ દ્વારા મહિલાઓમાં સ્વચ્છતા અંગેની નવી દૃષ્ટિ પ્રસ્તુત કરવામાં આવી, જેને તેમણે પોતાની જીવનશૈલીમાં ઉમેરવાનું શરૂ કર્યું છે.
આ પ્રયાસોથી ગામમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. ગામના મહતમ ઘરોએ કચરાનો નિકાલ યોગ્ય રીતે કરવા માટે સંકલ્પ લીધો છે. પ્લાસ્ટિકના નિકાલ અને તેના ફરી પ્રયોગ માટે શિસ્તબદ્ધ કાર્ય પદ્ધતિ વિકસાવવા અંગે સંકલ્પબદ્ધ થયા છે. આ પ્રયાસોએ ગામમાં માત્ર સ્વચ્છતાની જ નહીં, પરંતુ પર્યાવરણ માટે પણ જવાબદારીની ભાવના ઉત્પન્ન કરી છે.
આ ઝુંબેશનો મુખ્ય હેતુ માત્ર ગંદકી દૂર કરવો નહીં, પરંતુ લોકોને સ્વચ્છતાના મહત્વ વિશે નિરંતર જાગૃત રાખવાનો છે. SBM ટીમના આ પ્રયત્નોથી શેરગંજ ગામમાં સ્વચ્છતા અંગે લોકજાગૃતિ ફેલાઈ છે અને આ અભિયાન અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે. તદુપરાંત, આ પ્રકારના કાર્યક્રમો દ્વારા ગામમાં સ્વચ્છતા જાળવવા માટેની પ્રતિબદ્ધતા વધારે મજબૂત થઈ છે.
SBM સ્ટાફના નિષ્ઠાપૂર્ણ પ્રયાસોથી ગામના તમામ સ્તરે પરિવર્તન આવ્યું છે. તેઓ આગામી સમયમાં આવા વધુ કાર્યક્રમો યોજવા માટે પ્રતિબદ્ધ છે, જેથી અન્ય ગામોમાં પણ આવા જ સકારાત્મક પરિણામો મેળવી શકાય છે. આ પ્રયાસો પાટણ જિલ્લના દરેક ગામમાં સ્વચ્છતા લાવવા માટેના SBMના મુખ્ય લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ બનશે.
રિપોર્ટર. અનિલ