Gujarat

ભાજપ કોંગ્રેસની આક્ષેપ બાજી વચ્ચે રાધનપુર નગરની દુર્દશા

રાધનપુર બજારમાં ગટરોના ગંદા પાણી રેલાવાની સમસ્યા થી પ્રજા બની પરેશાન…
પાટણ જિલ્લાના રાધનપુરમા નગર પાલિકા નો વહીવટ છેલ્લા કેટલાક વરસોથી ખાડે ગયો છે. પાલિકામાં છેલ્લે કોંગ્રેસની સત્તા હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ વાળા એક બીજા ઉપરના આક્ષેપો વચ્ચે નગરની દુર્દશા થઈ હતી.આજે વહીવટદારના શાસનમાં પણ નગરના વિકાસ રૂંધાયો છે ઠેર ઠેર ગટરો ઉભરાઈને જાહેર માર્ગો ઉપર ગંદા પાણી રેલવાની સમસ્યા સામાન્ય બની જવા પામી છે.
રાધનપુર નગરમાં છેલ્લા કેટલાક સમયથી નગર પાલિકા ના અધિકારીઓ ઉપર કોઈની પકડ રહી નથી. વિસ્તારના લોકોએ ખોબલે ખોબલે મત આપીને ચૂંટેલા ધારાસભ્ય નું પણ પાલિકાના જવાબદાર અધિકારીઓ સાંભળતા નથી.જેને લઈને આજે નગરની દુર્દશા બની જવા પામી છે. શહેરના મુખ્ય માર્ગો ની બાજુમાં બનાવેલ ગટરો ની સફાઈના અભાવે રોજે રોજ ગટરો ઉભરાતા ગંદા પાણી રોડ ઉપર રેલાય છે જેને લઈને રોડ ઉપર થી પસાર થવું નગરજનો માટે મુશ્કેલ બન્યું છે.
ગુરુવારની સવારે શહેરના ઘાંચી મસ્જિદ થી મીરા દરવાજા અને રાજગઢથી હનુમાન વાળા ખાચા સુધીના જાહેર માર્ગ પરની ગટરો ઉભરાતા ગટરોના ગંદા પાણી રોડ ઉપર ભરાઈ રહેતા વાહન ચાલકો પગપાળા ચાલતા લોકો અને દુકાનદારોને મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો. આ બાબાતે એક વેપારીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી ગટરો ઉભરાઈને રોડ ઉપર ગંદા પાણી આવે છે પાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી જ્યારે ધારાસભ્ય લવિંગજીને પણ વેપારીઓ ની પરેશાની દેખાતી નથી.
જેને કારણે વેપારીઓ અને નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોજે રોજ ગટરના ગંદા પાણી માંથી પસાર થવાને કારણે રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી હોવાનું પણ વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતુ. શહેરમાં નગર પાલિકા ની કામગીરી માત્ર કાગળો ઉપરજ પાલિકાના અધિકારી દ્વારા કરવામાં આવે છે સ્થળ ઉપર કોઈજ કામગીરી થતી નથી જેને લઈને આજે નગરની દુર્દશા થઈ હોવાનું નગરજનોનું માનવું છે.
રિપોર્ટર. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ