Gujarat

સાવરકુંડલા શહેરના જાણીતાં પ્રકૃતિવિદ અને પ્રકૃતિ પ્રેમી કૃણાલ બારૈયાનાં આ શબ્દો સમગ્ર સમાજ માટે આંખ ઉઘાડનારાં છે.. ક્યાંક વન્ય સૃષ્ટિનું નિકંદન કાઢનારા આપણે જ તો નથી ને?? એનું આકાશ અને તેની જમીન તો તેને આપો.. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આપણા સ્વાર્થીપણાના હિસાબે આપણે કેટલાય નિર્દોષ જીવોના જીવન જોખમમાં મુકી રહ્યા છીએ એ ખરેખર વિચારવાં જેવી બાબત છે…
   —કૃણાલ બારૈયા
હા, આમ તો હવે અવારનવાર વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તારોમાં આંટાફેરા મારતા જોવા મળે છે. આપણે પણ આ જંગલને જંગલ ક્યાં રહેવા દીધું છે??ખૂબ હર્ષભેર અને છાતી ફૂલાવીને કહીએ છીએ કે હમણાં આ વેકેશન દરમિયાન અમે ગીર વિસ્તારમાં ફરવા ગયા અને સિંહો જોવાની મજા માણી..!! હા, જ્યાં સુધી આપણે આવાં જંગલ વિસ્તારને પ્રવાસન ક્ષેત્ર તરીકે મૂલવશું એટલે પછી તો વન્ય પ્રાણીઓની માફક આપણે પણ જંગલમાં વિહાર કરતા થઈ ગયા..!! એક હ્રદયસ્પર્શી દ્રશ્ય જ્યારે જોયું ત્યારે મન આક્રોશિત થઈ ગયું. બરોબર જંગલ મધ્યે આવેલાં રસ્તા વચ્ચે એક સિંહ પરિવાર પોતાની નિજાનંદની પળોમાં મસ્ત હતું અને તેની ચારે ફરતાં વાહનમાં બેઠેલાં વન્ય વિહાર કરવા નિકળેલાં સહેલાણીઓ હતાં..!! જાણે આ સિંહ પરિવાર કોઈ પ્રદર્શનનું તત્વ હોય!!
હા, વન વિહાર કરતાં કરતાં આપણે વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અડચણરૂપ થતાં હોઈએ છીએ. તેની પ્રાઈવેસીમાં હસ્તક્ષેપ કરતાં હોઈએ છીએ. દા. ત. આપણું ઘર હોય તેની અંદર આપણી સંમતિ વગર કોઈ પ્રવેશે અને વિશ્રામ કરે તે શું આપણને માન્ય હોય શકે ખરું..? તુરંત કહી નથી દેતાં કે ગેટાઆઉટ અથવા નમ્ર શબ્દોમાં ભાઈ આ મારું ઘર છે હોં?? કોઈ બાપુજીનો બગીચો નથી.!! પણ આ તો વન્ય અબોલ પ્રાણીઓ એ થોડું એમ કહેશે કે ભાઈ કોને પૂછીને આવ્યાં?? પછી તો એ વનવિહારમાં હરતાં ફરતાં પ્લાસ્ટિક અને વધેલો નાસ્તો પણ અહીં તહીં ફેંકી દઈએ છીએ.. જો કે વનવિભાગ છે, ને? પરંતુ આપણે તો આપણી મસ્તી અને મોજમજા કરવા માટે અહીં આવીએ છીએ ‘ને? આમ વનવિચરણ દ્વારા પણ આપણે અન્ય વન્ય જીવોની સુખસુવિધામાં બાધા રૂપ બનીએ છીએ. સિંહ દર્શન, જેવાં ગેરકાયદે લાઈન શો પણ યોજાતા હોય છે..!!.
માલધારીઓની મમતા વચ્ચે એનાં પશુઓ સાથે એ વન્ય સૃષ્ટિને વિહરવા દો.. હા, રિસોર્ટનાં રૂટકડાં નામથી વન્ય જમીન ક્યાં સંકુચિત નથી કરતાં? અરે ભાઈ આ જંગલ છે એને જંગલ જ રહેવા દેશો તો જ સહુનું મંગલ થશે અન્યથા અબોલ જીવોની હાય પણ એવી લાગશે કે પછી સૃષ્ટિ પોતે જ કોપાયમાન થશે..!! સમય છે હજુ પણ ચેતી જવાનો..!! વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની એની મસ્તીમાં જીવવા દો. પછી કહેતાં નહીં કે આ વન્ય પ્રાણીઓ પણ હવે શહેરી વિસ્તારનો હિસ્સો છે..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *