Gujarat

જૂનાગઢ કલેક્ટર કચેરીમાં દર ગુરુવારે પ્રાકૃતિક શાકભાજી હાટ યોજાશે, 21 હજાર ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી

જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કલેક્ટર કચેરી દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. કચેરીના પ્રાંગણમાં દર ગુરુવારે સાંજના સમયે પ્રાકૃતિક કૃષિ હાટનું આયોજન કરવામાં આવશે, જ્યાં ખેડૂતો સીધા જ ગ્રાહકોને પોતાની પ્રાકૃતિક ખેત પેદાશો વેચી શકશે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 1 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 21 હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને ઉત્પાદિત પાક લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યો છે. આ સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કલેક્ટર કચેરી દ્વારા શરૂ કરાયેલા આ પ્રાકૃતિક કૃષિ હાટને ખેડૂતો અને શહેરીજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી સમયમાં આ પહેલને વિસ્તારીને તાલુકા કક્ષાની કચેરીઓમાં પણ પ્રાકૃતિક કૃષિ હાટ શરૂ કરવામાં આવશે. આ પહેલથી ખેડૂતોને યોગ્ય વળતર અને ગ્રાહકોને શુદ્ધ, પ્રાકૃતિક ખાદ્ય પદાર્થો મળી રહેશે.

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પહેલ કરવામાં આવી છે. જેમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને કર્મચારીઓ તેમજ અધિકારીઓ શુદ્ધ અને પ્રાકૃતિક આહાર મેળવી શકે તે માટે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યું છે. જુદાજુદા 12 જેટલા ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક ખેતી ઉત્પાદનનું વેચાણ કરવા આવી પહોંચ્યા હતા.

આ પ્રાકૃતિક ખેતી હાટ શરૂ કરાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, જ્યારે કર્મચારીઓ અને લોકો પણ આ પ્રાકૃતિક ખાદ્ય ચીજ વસ્તુઓની ખરીદી કરવા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આવી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરની આ કામગીરીને બિરદાવી હતી. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ સાથે લોકોને સ્વસ્થ અને આરોગ્યપ્રદ શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે નવા આયામો ઉભા કરવામાં આવી રહ્યા છે. જ્યારે જિલ્લા કલેક્ટરની આ કામગીરીને લોકોએ બિરદાવી છે.

જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે જેના માટે રાજ્યપાલ તરફથી સતત માર્ગદર્શન મળતું રહે છે. તેમજ મુખ્યમંત્રી દ્વારા પણ પ્રાકૃતિક ખેતી ને લઇ તંત્ર પાસેથી રિવ્યુ લેવામાં આવે છે. જેના અનુસંધાને જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તેના માટે તંત્ર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે. અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં એક લાખ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છીએ. જેમાંથી 21,000 જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી શરૂ કરી ચૂક્યા છે.

આ ખેતીમાં ખેડૂતોને પૂરતું માર્કેટિંગ મળી રહે અને ખેડૂતોએ વાવેલા પ્રાકૃતિક ઉપજના પૂરતા ભાવ મળી રહે જેનાથી લોકોને પણ ફાયદો થાય તે માટે જિલ્લામાં અલગ અલગ ખેડૂતોને ફાયદા કારક અને ગ્રાહકોને ફાયદાકારક પ્લેટફોર્મ ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે પ્રાકૃતિક ખેતી નું દર રવિવારે જૂનાગઢ સરદારબાગ ખાતે માર્કેટ યોજવામાં આવે છે. ત્યારે હવે તંત્ર દ્વારા એક ડગલું આગળ વધી અઠવાડિયાના એક દિવસ એટલે કે દર ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક કૃષિ હાટનું આયોજન કર્યું છે.

આ ગુરુવારે આઠ જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આ માર્કેટિંગ પ્રાકૃતિક કૃષિ હાટમાં જોડાયા હતા. આ તમામ ખેડૂતોએ પોતાના ખેતરમાં પકવેલા પ્રાકૃતિક ખેત પેદાશો આ હાર્ટમાં લાવ્યા હતા. જેનો લાભ કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત કચેરી અને અન્ય વિભાગોના કર્મચારીઓએ આ હાટનો લાભ મેળવ્યો હતો.જેમાંથી 10,000 રૂ જેટલી જરૂરી ચીજ વસ્તુઓ ખાદ્ય સામગ્રીની ખરીદી પણ કરવામાં આવી હતી. આગામી સમયમાં જૂનાગઢ તાલુકા કક્ષાની ઓફિસોમાં પણ આ પ્રકારના પ્રાકૃતિક કૃષિ હાટ શરૂ કરાશે. આ કૃષિ 8 થી તાલુકા સ્તરે પણ અધિકારીઓ અને કર્મચારીઓ આ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનો લાભ મેળવી શકે અને વધુમાં વધુ ખેડૂતોને આ પ્રાકૃતિક ખેતી ઉત્પાદનનો લાભ મળી શકે તેના તમામ પ્રયત્નો જૂનાગઢ તંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહ્યા છે.