Gujarat

1100 સ્કૂલના 90 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા, બોર્ડની પેટર્નથી જ પરીક્ષા લેવાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહથી શરૂ થવાની છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવાના છે, જેથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો અનુભવ થાય તે માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEO દ્વારા પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન કર્યું છે.

આજથી શરૂ થયેલી પ્રિલિમ પરીક્ષા બોર્ડની પેટર્નથી જ લેવામાં આવી રહી છે. જેમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર અને સેન્ટ્રલાઈઝ પ્રશ્નપત્ર આપવામાં આવ્યા છે. 90 હજારથી વધુ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી રહ્યા છે.

DEO દ્વારા ફૂલ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષથી બોર્ડની પરીક્ષા અગાઉ પ્રિ બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત જ્યારે બોર્ડની પરીક્ષા આપે છે, ત્યારે પરીક્ષામાં કોઈ ભૂલ ના થાય,વિદ્યાર્થીઓનો ડર દૂર થાય તથા એક અનુભવ થાય તે માટે પ્રિ-બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે. પ્રિ-બોર્ડની પરીક્ષા બોર્ડની પેટર્ન મુજબ જ લેવામાં આવી રહી છે.

આજે પ્રથમ પરીક્ષાના દિવસે અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરી નવરંગપુરાની એ. જી. ટીચર્સ હાઈસ્કૂલમાં હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને ફુલ આપીને સ્વાગત કર્યું હતું. જ્યારે ગ્રામ્ય DEO કૃપા ઝા રાણીપની ગીતા હાઈસ્કૂલમાં હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ અને ઉત્તરવહીનું મહત્વ સમજાવી પરીક્ષા માટે પ્રોત્સાહિત કર્યા હતા.