જામનગર મહાનગરપાલિકાએ આજે બચુનગર વિસ્તારમાં મોટી દબાણ હટાવ કામગીરી હાથ ધરી હતી. નદીના પટમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ચાર JCB મશીનો સાથે મેગા ડેમોલિશન ડ્રાइવ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં અંદાજે 98,000 ચોરસ ફૂટ જેટલી જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત રૂ. 17.62 કરોડ આંકવામાં આવી છે.

કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની આગેવાની હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા તરફથી એસ્ટેટ વિભાગના કાર્યપાલક એન્જિનિયર એન.આર. દીક્ષિત અને મુકેશ વણરવા સહિતના અધિકારીઓની ટીમે આ કામગીરીનું સફળ સંચાલન કર્યું હતું.

આ અગાઉ ટાપુ વિસ્તારમાં પણ આવી દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના રિવરફ્રન્ટ પ્રોજેક્ટને આગળ વધારવા માટે આ દબાણ હટાવ ઝુંબેશ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી નદી કિનારાનો વિકાસ શક્ય બનશે અને શહેરની સુંદરતામાં વધારો થશે.

