પયગંબર અપમાનના આરોપસર ઈરાની સિંગર અમીર તાતાલુને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. વિશ્વવિખ્યાત ગાયક પર વૈશ્યાવૃતિ અને અશ્લીલતા ફેલાવવા સહિતના આરોપ લગાવવામાં આવ્યા છે. ઈરાનની સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમીર તાતાલુના નામથી ઓળખાતા આરોપી અમીર હુસૈન મગસુદલૂને અગાઉ પયગંબરના અપમાનના આરોપસર પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
તેની સજા સામે ફરિયાદીએ વાંધો ઉઠાવતા કેસને ફરી ખોલવામાં આવ્યો હતો. કેસની ફેરતપાસ બાદ આરોપો સાચા હોવાનું જાણવા મળતા તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. ઈરાની સરકારના ડરથી તાતાલુ ૨૦૧૮ની સાલથી તુર્કીના ઈસ્તાંબુલમાં છુપાયેલો હતો. ઈરાન સરકારની અરજી બાદ તુર્કી પોલીસે ૨૦૨૩માં તેને સોંપી દીધો હતો.
ત્યારથી ઈરાનની કસ્ટડીમાં રહેલા તાતાલુને વૈશ્યાવૃતિને પ્રોત્સાહન આપવા બદલ ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત તેની પર ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન વિરૂદ્ધ પ્રચાર કરવાનો આરોપ લાગ્યો હતો.