કચ્છના અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામમાં આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ સંસ્થાપિત તેમજ રાપર મંદિર સંચાલિત શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરૂકુળના શિલાન્યાસ અને ખાતમૂહુર્તની વિધિ યોજાઈ હતી. જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ગાર્ડ ઓફ ઑનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલે તેમના સંબોધનમાં જણાવ્યું કે, આ વૈદિક ગુરુકુળ અન્ય ગુરુકુળોથી વિશિષ્ટ હશે, જે ભારતીય જીવનમૂલ્યો ધરાવતા સંસ્કારવાન વિદ્યાર્થીઓ તૈયાર કરશે. તેમણે વેદોને સંસ્કૃતિનો મુખ્ય આધાર ગણાવ્યો અને આ ગુરુકુળને દેશની મહત્વની સંપદા તરીકે વર્ણવ્યું હતું. આ ગુરૂકુળ વૈદિક સંસ્કૃતિ, સિદ્ધાંતો અને જીવનમૂલ્યોના ઘડતરનું મહત્વનું કેન્દ્ર બની રહેશે. સંસ્કૃતિના મુખ્ય આધાર જ વેદો છે અને તેના લીધે જ વેદોનું શિક્ષણ જરૂરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદજી સ્વામીના સદવિચાર અને સદવિદ્યાના પ્રચાર પ્રસાર માટે વૈદિક ગુરૂકુળ પ્રતીક બનશે.

પ્રાસંગિક પ્રવચન કરતાં ભુજ મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીએ જણાવ્યું હતું કે, કચ્છના ચાંદ્રાણી ખાતે શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુળના નિર્માણનું સ્વપ્ન સાકાર થયું છે.
આ વૈદિક ગુરૂકુળમાં તૈયાર થનારા વિદ્યાર્થીઓ સંસ્કૃતિની જાળવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દેશ દુનિયામાં તમામ નાગરિકો સુખી તેમજ સ્વસ્થ રહે એવા આર્શીવાદ મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીએ આપ્યા હતા.

આ પ્રસંગે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, અગ્રણી દેવજીભાઈ વરચંદ, ચાંદ્રાણીના સરપંચ ગોવિંદભાઈ હુંબલ, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, મદદનીશ કલેક્ટર સુનિલ, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, ભુજ પ્રસાદી મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી, સદગુરુ કોઠારી પાર્ષદ જાદવજી ભગત, ઉપમહંત સદગુરુ સ્વામી ભગવદ્જીવનદાસજી, સદગુરુ સ્વામી મુકુંદજીવનદાસજી, સદગુરુ પુરાણી સ્વામી હરિબળદાસજી સહિત સ્વામીનારાયણની વિવિધ સંસ્થાઓ અને મંદિરોના મહંતઓ, હરિભક્તો, દાતાઓ અને ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.