Gujarat

એલસીબીએ 1.57 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, બુટલેગર ફરાર

કચ્છ જિલ્લામાં દારૂબંધીના કડક અમલીકરણ માટે ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે. એલસીબી પીઆઇ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં ટીમે અંજારના નવા નગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ખાનગી બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં બુટલેગર શૈલેષ રઘુરામ મઢવી (મારાજ)ના કબ્જાવાળા રૂમમાંથી મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 249 બોટલ જે રૂ. 1 લાખ 52 હજાર 677ની કિંમતની છે તેમજ રૂ. 5,280ની કિંમતના 48 બિયરના ટીન મળી કુલ રૂ. 1,57,957નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી શૈલેષ મઢવી હાથ લાગ્યો ન હતો. સમગ્ર કેસની વધુ તપાસ માટે જપ્ત કરાયેલો મુદ્દામાલ અંજાર પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.