Gujarat

શિવાજી પાર્કમાં બે આંખલાઓની લડાઈથી ભાગદોડ, બે બાળકોને સામાન્ય ઈજા

ગાંધીધામ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. તાજેતરમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો મેળવનાર ગાંધીધામમાં ગઈકાલે રાત્રે એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના શિવાજી પાર્કમાં બે આંખલાઓ અચાનક પ્રવેશી ગયા અને એકબીજા સાથે યુદ્ધે ચડ્યા હતા.

ઘટના સમયે પાર્કમાં રમી રહેલા બાળકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આંખલાઓની લડાઈથી બચવા માટે બાળકોએ ભાગદોડ મચાવી હતી, જેમાં બે બાળકો પડી જતાં તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. રાત્રિનો સમય હોવાથી પાર્કમાં લોકોની સંખ્યા ઓછી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

તાજેતરમાં ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે અને કમિશનર સહિતના અધિકારીઓની નિમણૂક થઈ ચૂકી છે. નવી મહાનગરપાલિકાએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે અને બે દિવસ પહેલા જ ગંદકી ફેલાવનારા સાત લોકો પાસેથી રૂ.1700નો દંડ વસૂલ કર્યો હતો. હવે શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા હલ કરવા માટે પણ નાગરિકોએ માંગ ઉઠાવી છે. સ્થાનિક રહીશોએ મહાનગરપાલિકા પાસે રખડતા ઢોરો માટે વિશેષ અભિયાન હાથ ધરવાની માંગણી કરી છે.