અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે એક અનોખી પહેલ કરી છે. વિભાગે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)માં શ્રેષ્ઠ દેખાવ કરનારા 650 વિદ્યાર્થીઓ માટે અમદાવાદ સાયન્સ સિટીનો નિઃશુલ્ક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું હતું.
બે તબક્કામાં યોજાયેલા આ પ્રવાસમાં વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓનો લાભ લીધો હતો. વિદ્યાર્થીઓએ રોબોટિક ગેલેરી, એક્વેટિક ગેલેરી અને હોલ ઓફ સાયન્સમાં આધુનિક વિજ્ઞાનના રહસ્યો જાણ્યા. આ ઉપરાંત થ્રી-ડી ફિલ્મ અને નેચર પાર્કની મુલાકાત લઈ વિજ્ઞાન પ્રત્યે વધુ જિજ્ઞાસા કેળવી હતી.

પ્રવાસનું સંપૂર્ણ આયોજન નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જી. એમ. સોલંકીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. તમામ તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડિનેટર્સે તાલુકા નોડલ તરીકે જવાબદારી નિભાવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.વી. મિયાણીએ આ પહેલની પ્રશંસા કરી હતી.

આ પ્રવાસથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધી છે અને તેમને વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા મળી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવાતી CET પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના પ્રોત્સાહક પગલાં ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

