Gujarat

સેલવાસથી ઘાસચારો ભરીને આવતી ટ્રક વીજપોલ સાથે અથડાતાં આગ, 34 લાખનું નુકસાન

ભુજ તાલુકાના જવાહર નગર કોટાય નજીક ગઈકાલે મધરાતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સેલવાસથી ભુજ તરફ આવી રહેલી ઘાસચારા ભરેલી ટ્રક રાત્રે 2:30 વાગ્યે ઢોરી ગામ નજીક પહોંચી ત્યારે અચાનક રસ્તા પર નિલગાય આવી જતાં ચાલકે તેને બચાવવા જતાં ટ્રક બેકાબૂ બની હતી.

બેકાબૂ બનેલી ટ્રક (નંબર GJ 12 BW 8343) રસ્તાની બાજુમાંથી પસાર થતી વીજ લાઈન તરફ ફંટાઈ હતી અને ત્રણ વીજ પોલને ધરાશાયી કર્યા હતા. આ દરમિયાન થયેલા શોર્ટ સર્કિટના કારણે તણખા ઊડ્યા હતા, જે ટ્રકમાં ભરેલા ઘાસચારા સાથે સંપર્કમાં આવતાં આગ ભભૂકી ઊઠી હતી.

ઘટનાની જાણ થતાં ભુજ ફાયર સ્ટેશનની ટીમ રાત્રે 3:30 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટર્સ વિશાલ ગઢવી, મામદભાઈ, વાગજી રબારી અને રફીક ખલીફાની ટીમે તાત્કાલિક આગ બુझવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

રતનાલ ગામના ટ્રક માલિક રાજેશ છાંગાના જણાવ્યા મુજબ, ટ્રકમાં રૂ. 1 લાખનો ઘાસચારો હતો અને ટ્રકની કિંમત રૂ. 33 લાખ હતી. આમ, કુલ રૂ. 34 લાખનું નુકસાન થયું છે. અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ટ્રક સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.