ભુજના કોટ વિસ્તારમાં આવેલા પારેશ્વર ચોક ખાતે એક વેપારી દ્વારા રખડતા શ્વાનો માટે અનોખી સેવા કરવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષથી ‘ડેડી કેફે શોપ’ના માલિક જેન્તી સોની અને તેમના પત્ની દરરોજ આસપાસના રખડતા કૂતરાઓને દૂધ પીવડાવીને જીવદયાની પ્રવૃત્તિ કરી રહ્યા છે.
પાંચ નાકા અને છઠ્ઠી બારી વચ્ચેના રાજાશાહી વખતના કોટ વિસ્તારમાં વંદે માતરમ ઉદ્યાન નજીક આવેલી તેમની દુકાનમાં ચા-કોફી અને દૂધનો વ્યવસાય ચલાવતા જેન્તીભાઈ માટે શ્વાનોની સેવા પ્રાથમિકતા બની ગઈ છે. તેઓ સવાર-સાંજ ગ્રાહકો કરતાં પહેલાં શ્વાનોને દૂધ પીવડાવવાનું કાર્ય કરે છે.

જેન્તીભાઈની સેવા માત્ર શ્વાનો પૂરતી સીમિત નથી. તેઓ દાતાઓ પાસેથી મળતી દાનની રકમમાંથી ગાયો માટે લીલો અને સૂકો ઘાસચારો પણ પૂરો પાડે છે.
આ સેવાકાર્ય ત્યારે વધુ મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે નજીકના સુમરા ડેલી વિસ્તારમાં તાજેતરમાં માનવીય ક્રૂરતાને કારણે એક શ્વાનનું મૃત્યુ થયું છે. જેન્તીભાઈની આ નિસ્વાર્થ સેવા સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.

