Gujarat

વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિ અને લાયન્સ કલબ દ્વારા પર્યાવરણ ન્યૂઝ-22 ઈ-મેગેઝીનનું વિમોચન

નડિયાદની સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપતો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો. કોલેજની વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિ અને લાયન્સ કલબ, નડિયાદના સંયુક્ત પ્રયાસથી ‘પર્યાવરણ ન્યૂઝ-22’ નામના ઈ-મેગેઝીનનું વિમોચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ અને કોલેજના પ્રિન્સિપાલ પ્રો. ડૉ. મહેન્દ્રકુમાર એ. દવેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીની નંદિની તળપદાની પ્રાર્થનાથી થઈ. વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિના કન્વીનર પ્રા. આર.બી. સક્સેનાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

લાયન્સ કલબના રીજીયોનલ ચેરમેન નૃપલ પટેલે કલબની સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી, જ્યારે પ્રોગ્રામ ચેરમેન અને એડિટર લાયન હરીશભાઈ સોનીએ ઈ-મેગેઝીનની વિસ્તૃત માહિતી આપી. ફેડરેશન પ્રોગ્રામ ચેરમેન ઈકબાલ મેમણે પર્યાવરણ જાળવણી અંગે સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવી હતી.

કાર્યક્રમમાં પ્રિન્સિપાલ દવેએ વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવ્યું અને વૃક્ષોનું જતન, પાણીનો કરકસરયુક્ત ઉપયોગ અને સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો. પર્યાવરણ સર્વેક્ષણ માટે વિદ્યાર્થી ધ્રુવ ભોઈને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો હાજર રહ્યા હતા. ડૉ. પ્રકાશભાઈ વીંછીયાએ આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.