માતર તાલુકાના નગરામાં ગામની સીમમાં સોલિડ કેમિકલ વેસ્ટ કચરાની ડમ્પિંગ સાઈટ જો ફરીવાર ચાલુ કરવામાં આવશે તો ગ્રામ લોકો કંપનીની બહાર ગેટ ઉપર બેસીને ધરણા કરશે. સાથે આજુબાજુના દસ ગામોના લોકો પણ આ કંપની સામે વિરોધ પ્રદર્શન કરવા માટે તૈયાર છે. જીપીસીબી ડિવિઝન ગાંધીનગર ખાતેથી ભલે મંજૂરી મેળવી હોય તો પણ અમે આ ડમ્પીંગ સાઈટ ચાલુ થવા નહિ દઈએ તેવું સરપંચ અને નાગરિકોએ જણાવ્યું હતું.
નગરામાં ગામની સીમમાં ક્લસ્ટર એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે. જે કંપની દ્વારા ખાનગી કંપનીઓમાંથી સોલિડ કેમિકલ વેસ્ટ કચરો જમીનમાં ઉતારીને ડમ્પિંગ કરવાનો પ્રોજેક્ટ 2018માં શરૂ કરવામાં આવ્યો હતો. જે ડમ્પીંગ સાઈટ ચાલુ થતા ગામ લોકોએ ભારે વિરોધ કરીને આ પ્રોજેક્ટને બંધ કરાવવામાં આવ્યો હતો.
વેસ્ટ કેમિકલ કચરો જમીનમાં ઉતરવાથી પીવાના પાણી તેમજ જમીનને ભારે નુકસાન થતું હોય અને દુર્ગંધ આવતી હોવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હતા. જેને પગલે ગામ લોકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરીને ડમ્પિંગ સાઇટ બંધ કરાવી દેવામાં આવી હતી.
જ્યારે બુધવારે પાંચ વર્ષ પછી ફરીવાર ડમ્પીંગ સાઈટ ચાલુ કરવા માટે બે ટ્રક કેમિકલ વેસ્ટ કચરો લાવવામાં આવ્યો હતો જેની સામે ગામ લોકોએ વિરોધ કરી બંને ટ્રક નો કચરો અમે ડમ્પિંગ સાઇટ ઉપર નાખવા દીધો નથી અને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જિલ્લા કલેકટરને આવેદન અપાશે
નગરાના સરપંચ રીંકુબેન સોલંકીએ જણાવ્યું હતું કે,નગરામાં ગામની સીમમાં વેસ્ટ કેમિકલ કચરાની ડમ્પિંગ સાઈટ ફરીવાર ચાલુ થશે કંપનીની બહાર બેસીને ધરણા કરવામાં આવશે અમારી સાથે 10 ગામના લોકો જોડાશે. સાથે જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવાની પણ તૈયારી કરવામાં આવી છે.
સરકારમાં રજૂઆત કરવામાં આવશે : ધારાસભ્ય
માતરના ધારાસભ્ય કલ્પેશભાઇ પરમારે જણાવ્યું હતું તે નગરામાં ગામે ડમ્પિંગ સાઇટ ચાલુ કરવા જીપીસીબી દ્વારા કયા ધારા ધોરણ મુજબ મંજૂરી આપવામાં આવી છે. તેની માહિતી મંગાવવામાં આવી છે. પાણીની કેનાલો આવેલી છે જીપીસીબી દ્વારા ગામમાં ભૌગોલિક સ્થળ તપાસ કર્યા વગર છેલ્લા પાંચ વર્ષથી બંધ પડી રહેલ ડમ્પિંગ સાઈટ મંજૂરી કેવી રીતે આપી જે ના આપવી જોઈએ પ્રજાના હીત માટે ફરજ પડશે તો સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે.
વીસ હજાર મેટ્રિક ટન વેસ્ટ ડમ્પિંગ કરવા મંજૂરી
આ બાબતે નડિયાદ જીપીસીબી ના અધિકારી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે ગાંધીનગર ખાતેથી વીસ હજાર મેટ્રિક ટન વેસ્ટ કચરો ડમ્પિંગ કરવા માટે મંજૂરી આપવામાં આવેલ છે તેવું જાણવા મળ્યું હતું.

