Gujarat

વર્ષ 2024માં ચૂંટણી દરમિયાન શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે કામગીરી કરનાર ગ્રંથપાલને રાજ્યપાલે એવોર્ડ આપ્યો

ગુજરાત રાજય ચૂંટણીપંચ દ્વારા આયોજિત 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા.

આચાર્ય દેવવ્રતે યુનિવર્સિટીના ગ્રંથપાલનું સન્માન કર્યું રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સમયે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ચૂંટણીની શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ યોગેશ પારેખનું શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

ચૂંટણીલક્ષી કામગીરી બદલ એવોર્ડ એનાયત કરાયો આ પ્રસંગે ગુજરાત રાજ્યના ચૂંટણી પંચના વિવિધ મુખ્ય અધિકારીઓ જિલ્લાના કલેક્ટર, ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચૂંટણીની વિશિષ્ટ કામગીરી કરનાર કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત ઓફિસર, બુથ લેવલ ઓફિસર, કેમ્પસ એમ્બેસેડર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા.

વર્ષ 2024માં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં સ્વીપ અંતર્ગત કોલેજોમાં અને 22 યુનિવર્સિટીઓ સહિત સામાજિક સંસ્થાઓ, જાહેર અને ખાનગી એકમો, મેટ્રો સ્ટેશન, એમ. ટી. એ. એસ બસ સ્ટેશન, જાહેર પરિવહનના સ્થળો, દિવ્યાંગ અન પ્રજ્ઞાચક્ષુ સંસ્થાઓ , મોટેરા આઈ. પી.એલ ક્રિકેટ મેચ એમ સમાજના તમામ ક્ષેત્રો મતદાન જાગૃતિની વિશિષ્ટ કામગીરી કરનાર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી યુનિવર્સિટી ગ્રંથપાલ અને જિલ્લાના સ્વીપના યુથના નોડલ ઓફિસર ડો.યોગેશ આર પારેખને રાજયપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે ચૂંટણી પંચના અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો સર્ટીફીકેટ ઓફ એકસીલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ગ્રંથપાલ ડો.યોગેશ પારેખ દ્વારા કુલ 2 લોકસભા, 2 વિધાનસભા અને સ્થાનિક ચૂંટણીઓમાં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પૂર્વે તેઓનો મતદાન જાગૃતિ અંગેના જિલ્લા કક્ષાના 2 એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે