રાજકોટ જિલ્લાની મુંજકા-૨ પ્રાથમિક શાળામાં ગત તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સાંસદશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં વાર્ષિકોત્સવ – મેઘધનુષનો આઠમો રંગ યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા દેશભક્તિ ગીત પર નૃત્ય, નાટક, ભજન, મેજિક શો સહિત વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. આ તકે સાંસદશ્રીના હસ્તે સેવાકીય સંસ્થાઓ, એન.જી.ઓ., દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ વાર્ષિકોત્સવમાં યુનાઇટેડ કેર હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબીટીસ ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરાયું હતું. આ કાર્યક્રમ લુક એન્ડ લર્ન જ્ઞાન ધામ, હેલ્પર હેન્ડસ, ઓજસ્વીની ફાઉન્ડેશન, મીનુ જસદણવાલા સહિત દાતાઓના સહકારથી યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં, તેમ મુંજકા-૨ પ્રાથમિક શાળાની યાદીમાં જણાવાયું છે.

