Gujarat

350થી વધુ વિદ્યાર્થીઓએ માનકો અને પર્યાવરણ વિષયક કાર્યક્રમમાં લીધો ભાગ

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ભારતીય માનક બ્યુરો-અમદાવાદના સહયોગથી એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 29 જાન્યુઆરી 2025ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં માનકોનું મહત્વ અને આબોહવા પરિવર્તન જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં પાટણ જિલ્લાની બે શાળાઓના 44 વિદ્યાર્થીઓ ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, સુરત અને દાદરા નગર હવેલીથી આવેલી શાળાઓના 310 વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત કુલ 350થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો.

નિષ્ણાતોએ ઇન્ટરેક્ટિવ મોડેલ દ્વારા આબોહવા પરિવર્તનની ગંભીર અસરો અને ભવિષ્યની ચિંતાજનક સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ, આ સમસ્યાને નિયંત્રિત કરવા માટેના ઉપાયો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ભારતીય માનક બ્યુરોનો ઇતિહાસ, તેનું મહત્વ અને કાર્યક્ષેત્ર તેમજ વિવિધ સ્ટાન્ડર્ડ્સ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે સેન્ટર વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે સતત કાર્યરત છે અને ઇન્ટરેક્ટિવ વૈજ્ઞાનિક પ્રદર્શનો તથા શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા જાગૃત કરવાનો સતત પ્રયાસ કરે છે.