સોરઠમાં વસતા સોરઠિયા આહિરો ઇતિહાસમાં પ્રસિદ્ધ છે, જેમની જગ્યા પ્રભાસ પાટણમાં ત્રિવેણીને કાંઠે આવેલ હતી. આજે કઈ હાલતમાં છે એ જાણી શકાયું નથી. જ્યાં આહિરો તરફથી એક દિવસ ત્યાં સદાવ્રત અપાતું હતું. સોરઠિયા આહિરોના ઘર દીઠ એક મણ બાજરો અથવા જુવાર તથા અડદની પાલી એક અને દળામણના રોકડા આપતા હતા. એ સમયના લોકો આજના જેટલું કમાતા નહોતા તેમ છતાં ધર્મ અને અન્નદાન માટે એમના મનમાં જબરી મહતા હતી એ અહીંથી જાણી શકાય છે.
આજે સુખ ખૂબ જ વધ્યું છે પણ અન્નદાનનો મહિમા ઘટયા હોય એવું દરેક સમાજમાં જોવા મળે છે. આજ માણસ સુખમાં બહેકી ગયો હોય એમ પણ ક્યારેક લાગે છે ત્યારે આવા વિષયો સાથે વર્તમાન પરિસ્થિતિ અને ભૂતકાળની તુલના ઈતિહાસકારો અને સમાજશાસ્ત્રીઓએ અવશ્ય કરવી જોઈએ, કે એક દિવસ આવો હતો-આજે આવું છે જેના કારણો ક્યા છે, તેનું પરિણામ શું આવશે.
આ સદાવ્રત શ્રી સોરઠ સરકાર જુનાગઢ સ્ટેટ તેમજ પોરબંદર સ્ટેટ તેમજ ગાયકવાડ સરકારની હદમાં રહેતા સોરઠિયા આહિરો તરફથી અપાતું હતું. આ જગ્યામાં આ ઉપરાંત જે કોઈ બીજો ખર્ચ થાય કે મકાનો બંધાય, સાધુઓને દેવાની દાન દક્ષિણા- તે બધું જ સોરઠિયા આહિરો જ પૂરું કરતા હતા. આ જગ્યાનું નામ હતું રાધાકૃષ્ણ મંદિર, આ જગ્યામાં જૂના સાધુ સરજુદાસજી હતા અને પછી તેમના શિષ્ય શ્રી રાધિકાદાસજી આવેલ અને તે દેવ થતાં તેમના શિષ્ય શ્રી રાધામોહન થયા. જયારે આ જગ્યાના સાધુઓએ આ જગ્યામાં સાધુ નીમવાનો હક્ક સોરઠિયા આહિરોનો છે એવી માંગણી ઈ.સ.૧૯૪૧માં જૂનાગઢ રાજ્ય સમક્ષ મૂકી આધાર પુરાવાઓ અને ઇતિહાસ રજૂ કર્યો હતો.
આ જગ્યાના સાધુ મહારાજ દેવ થતા બારખલી ખાતાએ ધર્માદા કેસ કરી નવો વહીવટદાર નીમતા આહિર સમાજના જ્ઞાતિજનોએ ખૂબ વિરોધ કરી પોતાની રજૂઆત જૂનાગઢ રાજય સામે સરમણભાઈ જીવાભાઈ અને માંડાભાઈ લાખાભાઈએ કરી હતી કે આ નિર્ણય અમને મંજૂર નથી, અમોને કોઈ જાણ આ નિમણૂક કરવા માટે કરવામાં આવી નથી. આ જગ્યાના હક્ક માટે આહિર સમાજના સોરઠના આગેવાનો આહિર હમીરભાઈ મેણસીભાઈ તાલાળા મહાલ પીપરવા, આહિર હમીરભાઈ પુંજાભાઈ માળિયા મહાલ આદરી, આહિર કુંભાભાઈ દેવાયતભાઈ પાટણ મહાલ આજોઠા, દેવાયતભાઈ પુંજાભાઈ પાટણ મહાલ હરણાસા, આહિર અરજણભાઈ પાટણ મહાલ ભાલપરા, આહીર ધાનાભાઈ પાટણ મહાલ ભાલપરા વગેરે આ સદાવ્રતને જગ્યા માટે અનહદ મહેનત કરી પોતાની રજૂઆતો કરી સોરઠિયા આહિરોની જે પરંપરા અને સદાવ્રત અપાતું હતું એમાં ખૂબ જ મહેનત કરી જગ્યાને પોતાની પાસે રાખવાનો પ્રયત્ન કર્યો હતો એમ જણાય છે.
આ ઘટના બતાવે છે કે આહિરોને પોતાની જગ્યાની પરંપરા સાંચવવામાં કેટલો રસ રહ્યો હતો તેથી લડેલા. જે દેવાયત આહિરે જૂનાગઢ રાદના વંશને ફરી ગાદીએ બેસાડવા પોતાના સગા દીકરા ઉગાનું બલિદાન આપી દીધું હોય તે પોતાના વંશ કે પરંપરા માટે થોડો પાછો પડે. આ જૂના ઇતિહાસથી એટલું જાણવા મળે છે.
કે જો ખુદ સમાજ જ પોતાના ઈતિહાસ પરંપરા રૂઢી માટે જાગતો રહે કે નબળા સમયે પણ લડતો રહે એ જ ટકી રહે છે. બાકી ઈતિહાસ, સંસ્કૃતિ, વારસો બધું સમય બદલાયે વિખાતા વાર લાગતી નથી. આજે જે સમાજ આ સત્ય સમજશે એની જ પરંપરા અને રિવાજો ટકશે, બાકી પરિવર્તન અને આધુનિકતાના વાવાઝોડામાં રાખની જેમ જ ઉંડી જશે. એના અનેક દાખલાઓ આપણને વિશ્વની સંસ્કૃતિમાંથી મળે છે. મહાન
આ લેખ જૂનાગઢ રાજ્યના જૂના અસલ દફ્તરો પરથી પ્રથમવાર જ લખાયેલ છે, એટલે કે સાવ અનટચ ઈતિહાસ આજ આપની સમક્ષ મૂકેલ છે, તે કોઈ કદાચ જાણતું નહોતું અને આ ઈતિહાસ રબાર્વલ પડેલ જેને ફરી ઉજાગર કરેલ છે.
આ લેખનો બોધપાઠ એ છે કે સહુને પોતાના દેવસ્થાનોના હક્કો જાગૃત રહીને જાળવવા જોઈએ અને જે પડતર કે જીણશીણ હાલતમાં હોય તેને બેઠાં કરવા કે પુનર્જીિવિત કરવા એ સનાતન ધર્મમાં માનતા સહુની ફરજ થઈ પડે છે. માત્ર વાતો કરવાથી કશું જાજુ વળવાનું નથી. જાગો જોવો અને શું શું પુનર્જિવિત કરવા માંગે છે. એ સમજીએ, તો ખરા અર્થમાં ઈતિહાસ અને સંસ્કૃતિ, પરંપરા ટકી રહેશે. બાકી તો આપણા કરતા બીજાને ફાયદો થશે. આપણે ત્યાં એક કહેવત છે ‘માર ખાય માકડું અને માલ ખાય મદારી’ એવું ન બને એ જોઈ સત્યના અને ખરા જરૂરી રસ્તે ચાલીએ. આપણો કહેવાનો અર્થ એ છે કે નવું ભલે હજારગણું બને પણ જૂનાને જાળવવું એ આપણા પૂર્વજોના સંસ્કાર અને કાર્યોને સોચવવા જેવું છે, જો માનો તો.