હજુ હમણાં થોડા દિવસો પહેલા જ ગાંધી નિર્વાણ દિન ગયો. ગાંધી મૂલ્યો, સત્ય અહિંસા, પ્રેમ, કરુણા અને વૈષ્ણવજનની ભાવનાને પ્રજવલિત કરવાના એ દિવસે મહાત્મા ગાંધીજીના જીવન કવનની વાતો થઈ. જો કે એક વાત પણ ઉલ્લેખનીય છે કે એ દિવસે સાવરકુંડલા ખાતે યોજાયેલ સવારની પ્રાર્થનાસભામાં પાંખી હાજરી પણ ચિંતાનો વિષય બની હતી.
જો કે હવે સમય આવી ચૂક્યો છે આવા ગાંધી વિચાર અને મૂલ્યોનું જતન કરનાર હસ્તિઓનું પણ મહાત્મા ગાંધીજીના જીવન કવન સાથે સ્મરણ કરી લોકોમાં ગાંધી મૂલ્યોનો વિચાર વધુમાં વધું ફૂલેફાલે એ અંગે ગાંધી વિચારને વરેલા હસ્તિઓના જીવન કવનનો ઉલ્લેખ કરવાનો.. આવી જ એક સાવ ગીરકાંઠાના છેવાડાને પોતાની કર્મભૂમિ બનાવી ગાંધી મૂલ્યોનું જતન કરનાર કે જેણે ગાંધી મૂલ્યોને નસેનસમાં જીવી જીવન ચરિતાર્થ કરનાર એક શખ્સિયતની જેણે જીવનપર્વત ગાંધી વિચારને જીવન અર્પણ કરેલ.
વાત છે ગીર વિસ્તારની ગોદમાં વસેલા એક ખોબા જેવા ગામ તાંતણિયાની.. તાંતણિયા ગામે ગાંધી વિચારની મશાલને પ્રજવલિત કરનારા સ્વ.બાલુભાઈ કાળીદાસ ગઢિયાની. આમ તો જમીનદાર કુટુંબમાં જન્મેલા માત્ર ખેતી આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા કુટુંબના એક કુલદીપક સ્વાતંત્ર્ય પર્વના સ્વાતંત્ર્ય સંગ્રામની ગાંધીજીની વાતોથી પ્રભાવિત થઈ ખૂબ જ નાની વયે ગાંધી વિચારની આ આ મશાલને સમગ્ર ગીર વિસ્તાર અને નેસડાંમાં પ્રજવલિત કરવાનો સ્વ. બાલુબાપાએ સંકલ્પ કરેલ. લગભગ ૪૦૦ વીઘા ઉપરાંતની જમીન ધરાવતાં કાળીદાસભાઈ ગઢીયાનાં એકના એક પોતાના પુત્રે સમાજ સેવા અને ગરીબોના ઉત્કર્ષ અને વિકાસ એજ જીવન મંત્ર સમજી સમાજસેવામાં ઝંપલાવ્યું. પ્રસિદ્ધિથી જોજનો દૂર રહી માત્ર આ ગીર વિસ્તારના અશિક્ષિત, નિર્દોષ અને ભોળાં લોકોનો વિકાસ એ જ અંતિમ લક્ષ્ય એ મંત્ર સાથે ખાંભા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સતત ૧૦ વર્ષ સુધી સેવા આપી.
ખૂબ સેવાભાવી અને વળી રોટલે મોટાં હોય તેમની ડેલી નાના મોટા અધિકારીઓ અને છેવાડાના વિસ્તારના ગ્રામ્યજનોથી સદાય ગુંજતી રહેતી એ વાત પણ ગાંધી સેવાશ્રમની યાદ અપાવી જતી હતી. દરેક પ્રત્યે સમભાવ અને સમદ્રષ્ટિ રાખવી, ગરીબોની વેદના અને બધાના દુખ દર્દમાં સહભાગી થવું એ પણ ગીર વિસ્તારના સિંહ, દીપડા, ઝરખ જેવાં હિંસક પ્રાણીઓ વચ્ચે, પુર પ્રકોપ સમયે રાત દિવસ જોયા વગર માત્ર લોકસેવા માટે પોતાના સ્વાસ્થ્યની પણ પરવા કર્યા વિના સતત પ્રતિબદ્ધ રહેવું એવાં બાલુબાપાનાં હુલામણાં નામથી ઓળખાતા અજાતશત્રુ આ શખ્સિયતને યાદ કરવા એ પણ એક ગાંધી વિચારને પોષણ આપવાની એ કડી સમાન ભાવાંજલી જ ગણાય.
અમરેલી જિલ્લાનો ખાંભા તાલુકો આમ તો અમરેલી જિલ્લાનો છેવાડાનો વિસ્તાર ગણાય. અર્થાત વિકાસ માટે પછાત વિસ્તાર મનાય છે. ખેતીવાડી અને વન્ય સંપદાઓથી સંપન્ન આ વિસ્તારમાં ખાંભાથી દસ કિલોમીટર દૂર ડુંગરાળ વિસ્તારની વચ્ચોવચ્ચ આવેલું નાનકડું ગામ કે જ્યાં તે સમયે ઈલેક્ટ્રિસિટીની સગવડ પણ ન હતી. એવાં આ વિસ્તારના લોકો કે જ્યાં શિક્ષણનું પ્રમાણ નહીંવત માત્ર શ્રમ કરવો અને રોજીરોટી મેળવવી અને ખાસ કરીને કૃષિ અને પશુપાલન
આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વચ્ચે રહી તેનાં અધિકારોનું રક્ષણ કરવું એ જ લક્ષ સાથે સ્વ.બાલુબાપાએ સેવાને મહામંત્ર બનાવેલ. બાપાની ડેલીએ કોઈ પણ વ્યક્તિ ચોવીસે કલાક પોતાની વ્યથા કે વેદના કોઈ પણ સંકોચ વગર ઠાલવવા આવી શકતા અને તેની સમસ્યાનું સમાધાન કરવા માટે સ્વ.બાલુબાપા સદાય પ્રયત્નશીલ રહેતા અને લગભગ લોકોની સમસ્યાનુ સમાધાન પણ થતું. સેવા અને સહકારનાં બુનિયાદી સિધ્ધાંત મુજબ તેમણે અંતિમ વર્ગના છેવાડાના માણસનો ઉત્કર્ષ કરવા સદાય નમ્ર પ્રયાસો કરેલ.આ, એક વાત પણ નોંધનીય છે કે નથી તેમણે કોઈની ચશ્મપોશી કે કદમબોસી કરી સિવાય કે સત્યને વળગી રહેવું.
હા, એને કોઈ પારિતોષિક એનાયત નથી થયું અને કોઈ ખુશામત કરે એ પણ તેમને હરગીજ પસંદ ન હતું સત્ય ખાતર કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર લોકહિતની વાત રજૂ કરી અને તંત્રને પણ ઘણીવખત ઢંઢોળતાં જોવા મળેલ છેલ્લા તબક્કામાં રાજકીય વાતાવરણ એમની દ્રષ્ટિએ ડહોળાયેલું કે કલુષિત લાગતાં રાજકીય ક્ષેત્રેથી પણ સંન્યાસ લીધેલ. તા. ૨૫-૩-૧૯૯૬ નાં રોજ તેમણે આ ફાની દુનિયા છોડી સંસારને અલવિદા કરી. આ સાથે તેમનાં સહચારિણી અને જીવનસંગિની અંબામાનાં હુલામણા નામથી ઓળખાતાં અને મૂક મને બાલુબાપાનાં આ સેવા યજ્ઞમાં ખભે ખભા મિલાવીને સેવા કરનાર અંબામાં પણ તા. ૮-૩-૨૦૦૯નાં દેહ ત્યાગ કર્યો. આજે પણ જ્યારે તાંતણિયા વિસ્તારમાં જઈએ તો તેની યાદોં અહર્નિશ આભમાં ગુંજતી દેખાય છે અને જેને સાહિત્યકાર નાનાભાઈ જેબલિયાએ મુંડા વગરનો ગાંધીની ઉપમા આપેલ તેવાં સેવાના ભેખધારીએ માનવસેવાના કાર્યનાં આ મહાયજ્ઞમાં લગભગ પોતાની મોટાભાગની જમીન કુરબાન કરી હતી એ વાત પણ ઈતિહાસના પાને અંકિત થયેલી છે એવી આ મહાન હસ્તીની સંવેદનાને ગાંધી નિર્વાણનાં દિન નિમિત્તે ભાવભીની શબ્દાંજલી…જીવન અંજલી થાજો મારું જીવન અંજલી થાજો.. એ વાતને અર્થસભર જીવી માનવીય સંવેદનાનું સંવર્ધન કરનારા આ સંસારી સંતને શત શત નમન..
હાલ સાવરકુંડલા મુકામે પત્રકારત્વના માધ્યમથી સેવા સુવાસ દ્વારા જનહિત સર્વોપરી એ જીવન મંત્રને ચરિતાર્થ કરવા માટે પાંધી પરિવાર પણ તેના દર્શાવેલ રાહ પર ચાલતાં જોવા મળે છે. આમ પ. પૂ. સ્વ બાલુબાપાના વૈચારિક વારસાને જીવંત (લીલોછમ) રાખવા અહર્નિશ પ્રયાસ થાય છે અને આમ જ ગાંધી વિચારની યથાર્થતાની પુષ્ટિ થઈ રહી છે. ઈશ્ર્વર પણ આવા મહાન આત્માને સદાય શાંતિ જ અર્પણ કરશે એવા ભાવ સાથે.
–આલેખન બિપીનભાઈ પાંધી સાવરકુંડલા