Gujarat

શ્રી એમ. એલ. શેઠ સ્કૂલ સાવરકુંડલાના કેમ્પસમાં ગુજરાતી માધ્યમની નવી બિલ્ડિંગનો ભૂમિપૂજન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

સાવરકુંડલા શહેરમાં શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણ ડીઝીટલ થયેલ શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર સંચાલિત શાળાના કેમ્પસમાં નવનિર્મિત ગુજરાતી માધ્યમિક શાળાના બિલ્ડિંગનું ભૂમિપૂજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
દાતાશ્રી બાદલ સુભાષભાઈ દોશી પાંચ વખત નેશનલ લેવલની મોટરસાયકલ રેસના ચેમ્પિયન રહેલ છે અને બે વખત ભારત તરફથી એશિયન ગ્રાન્ડ પ્રિક્સમાં પ્રતિનિધિત્વ કરેલ છે
સાવરકુંડલા ખાતે આવેલ શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર સંચાલિત એમ. એલ. શેઠ સ્કૂલ ગુજરાતી માધ્યમ શાળાના નવા બિલ્ડીંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે શહેરના પ્રબુદ્ધ નાગરિકો સમેત સંસ્થાના ટ્રસ્ટીગણની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો ભૂમિપૂજન દાતાશ્રી બાદલભાઈ સુભાષભાઈ દોશી, શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ડો શેઠ સાહેબ, ગુણવંતભાઈ ત્રિવેદી સમેત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ ઉલ્લાસભર્યા પ્રસંગે નવા બિલ્ડિંગના દાતાશ્રીઓ, સાવરકુંડલાના ધારાસભ્ય  મહેશભાઈ કસવાલા, માર્કેટ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી ,નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ, ટ્રસ્ટીગણ,ટ્રસ્ટી મંડળના માનનીય સભ્યો, સાવરકુંડલાના જ્ઞાતિ અગ્રણીઓ તથા શાળાના શિક્ષકવૃંદ અને સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ભૂમિપૂજન કાર્યક્રમમાં શાળાની વિકાસયાત્રાની ઝલક તથા ભવિષ્યના વિઝન અંગે ચર્ચાઓ થઈ, જેનાથી શાળાના શૈક્ષણિક ઉન્નતિ માટે સમર્પિત તમામ વ્યક્તિઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો. શાળાના કેમ્પસ ડાયરેક્ટર સંદીપકુમાર ખડદિયા દ્વારા મળેલી માહિતી અનુસાર, આ નવી બિલ્ડિંગ વિદ્યાર્થીઓ માટે વધુ સુવિધાસંપન્ન અને આધુનિક શિક્ષણવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શાળાના શૈક્ષણિક વિકાસમાં એક માઈલસ્ટોન સાબિત થશે.
આ પ્રસંગે શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ પારેખે જણાવ્યું હતું કે આ શાળાને વ્યાયામની પ્રવૃત્તિઓ અંગે જેટલા પણ ઈન્સ્ટ્રુમેન્ટ જોઈશે એટલા શાળાના મેનેજમેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવશે. સાથો સાથ ૨૦૨૮ના આ સંસ્થાના ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આ સંસ્થાની શૈક્ષણિક સફર સમગ્ર અમરેલી જિલ્લામાં ઉદાહરણ રૂપ બને તેવા પ્રયાસોમાં છીએ. તો આ નવનિર્મિત શાળાના બિલ્ડિંગના દાતા શ્રી બાદલભાઈ દોશીએ જણાવ્યું હતું કે શિક્ષણ સાથે રમતગમતનો પણ વિદ્યાર્થીઓના જીવનમાં વધુ વિકાસ થાય એ જરૂરી છે.
દાતાશ્રી પોતે પણ નેશનલ લેવલની મોટર સાયકલ  રેસના પાંચ વખત ચેમ્પિયન છે. અને બે વખત ભારત તરફથી એશિયન ગ્રાન્ડ પ્રિક્સમાં પ્રતિનિધિત્વ કરેલ છે. એટલે પોતે વ્યાયામનું મહત્વ પણ સુપેરે સમજે છે. તો આ સંસ્થાના ટ્રસ્ટી સુકેતુભાઈ પણ સાવરકુંડલાના બાળકોને નવીનતમ ટેક્નોલોજી દ્વારા શિક્ષણ મળે તે માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે રોબોટિક લેબોરેટરી સાથે હવે શૈક્ષણિક ક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ ધરાવતી શાળાનું નિર્માણ કરવાની નેમ ધરાવી અને માત્ર સાવરકુંડલા જ નહિ પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ અદ્યતન ટેકનોલોજી સાથે શૈક્ષણિક સંસ્થાઓ તૈયાર કરવાની ઇચ્છા પણ જાહેર કરેલ છે.
આમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી વિનુભાઈ રાવળ સમેત તમામ કર્મચારીગણ ગણ  દ્વારા સમગ્ર કાર્યક્રમને  સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી . આ ભૂમિપૂજન પર્વ નિમિત્તે ગતરોજ વ્યાયામ મંદિર સંચાલિત શાળાના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ હેરતભર્યા અંગકસરતના દાવોનો કાર્યક્રમો પણ  યોજાયા હતાં. શાળાના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળ રહ્યો હતો. ભવિષ્યમાં વ્યાયામ સાથે શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય એ માટે આ સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે
આજે જ્યારે સરકારશ્રી પણ શૈક્ષણિક અભ્યાસક્રમમાં જ્યારે વ્યાયામનું મહત્વ દિન પ્રતિ દિન ઘટતું જાય છે ત્યારે આવી વ્યાયામને લક્ષમાં રાખીને શૈક્ષણિક કાર્ય કરતી સંસ્થાઓ ખરેખર સાંપ્રત સમયમાં આવશ્યકતા છે. કારણ કે હેલ્થ ઈઝ વેલ અને સાઉન્ડ માઈન્ડ  ઈન સાઉન્ડ બોડી  એ ભારતીય સંસ્કૃતિનો મહત્વનો અભિગમ જ્યારે લુપ્ત થવાને આરે છે ત્યારે આવી શૈક્ષણિક સંસ્થાઓ જ આ વારસાનું જતન કરતી હોય છે
બિપીન પાંધી સાવરકુંડલા