સુરતનો હીરા ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગની અંદર મંદીનો માહોલ હોવાને કારણે ધીરે-ધીરે તેની અસર હવે રત્ન કલાકારોની રોજગારી પર થવાની શરૂ થઈ ગઈ છે.
છેલ્લા બે વર્ષમાં વૈશ્વિક સ્તરીય ઉભા થયેલા સંજોગોને કારણે હીરા ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારે મંદીનો માર્ગ સહન કરવાનો વખત આવ્યો છે ત્યારે લાખો પરિવાર પર રોજગારીનો પ્રશ્ન ઉભો થઈ ગયો છે.
રત્ન કલાકારો પરિવારનું ભરણપોષણ ન કરી શકે તે પ્રકારની સ્થિતિ ઉભી થતા આખરે સુરતના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ પાર્લામેન્ટ્રી બજેટ સેશનના છઠ્ઠા દિવસે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના ગંભીર પ્રશ્નોને રજૂ કર્યા હતા.
હીરા ઉદ્યોગપતિ અને સાંસદની બજેટ સેશનમાં મદદની માંગ છેલ્લા બે વર્ષથી સુરતના હીરા ઉદ્યોગને માઠી અસર લાગી છે. યુકેન-રશિયાનું યુદ્ધ, ચીન અને અમેરિકામાં કોરોના બાદ સતત મંદીની અસર, આંતરરાષ્ટ્રીય સ્તરે ઉભા થયેલા દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં વિપરીત અસર આ તમામ બાબતોને કારણે હીરા ઉદ્યોગ પર તેની સીધી અસર થઈ છે.
સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદે રત્ન કલાકારોની ગંભીર સ્થિતિ અંગે વ્યથા રજૂ કરી છે. ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા બે લાખ પરિવારો પર મંદીની સીધી અસર થઈ હોવાનું તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું. તાત્કાલિક અસરથી હીરા ઉદ્યોગને આર્થિક રીતે મદદ પહોંચાડવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને રજૂઆત પાર્લામેન્ટરી બજેટ સેશન દરમિયાન કરી છે.

