Gujarat

શટલરિક્ષા ગેંગે વૃદ્ધાને ધમકાવી 2 લાખની લૂંટ ચલાવી

મુંબઈથી ભાભીની અંતિમવિધિ પતાવી અમદાવાદ પરત ફરેલા 69 વર્ષીય વૃદ્ધા ઈલાબેન શાહને કાલુપુર રેલવે સ્ટેશન બહારથી રિક્ષા ભાડે કરવી ભારે પડી હતી. મેમનગર જવા માટે રિક્ષામાં બેઠેલા ઈલાબેનને રિક્ષાચાલક અને તેની સાથે પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી ગેંગે રસ્તામાં ધમકાવીને લૂંટી લીધા હતા. ગઠિયાઓ તેમની પાસેથી સોનાનું મંગળસૂત્ર અને રૂ.8 હજાર રોકડા મળી કુલ 2.18 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટી ફરાર થઈ ગયા હતા.

‘ડોશી જીવવું હોય તો ચૂપચાપ બેસી રહેજે’ ગુરુકુળ રોડ પર રહેતા ઈલાબેન કાલુપુર સ્ટેશને ઊતર્યા બાદ મેમનગર જવા રિક્ષામાં બેઠા હતા, જેમાં પહેલેથી જ બે શખ્સો બેઠેલા હતા. રિક્ષાચાલકે રસ્તાનું કામ ચાલતું હોવાનું બહાનું બતાવી રિક્ષા મેમ્કો તરફ વાળી દીધી હતી.

ઈલાબેનને શંકા જતાં રિક્ષા ઊભી રાખવા કહ્યું ત્યારે ગઠિયાઓએ તેમને પકડી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ દાગીના તથા રોકડ લૂંટીને તેમને રિક્ષામાંથી ધક્કો મારી ઉતારી દીધા હતા.

કાલુપુર પોલીસે સીસીટીવીના આધારે તપાસ તેજ કરી બનાવ બાદ ઈલાબેને પરિવારજનોને જાણ કરી કાલુપુર પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી. કાલુપુર પોલીસે રિક્ષાચાલક અને તેની ગેંગ વિરુદ્ધ ગુનો નોંધી, રૂટ પરના તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.