Gujarat

વેલ્ડિંગ કામગીરી સમયે ધાબા પર આગ લાગી; ફાયરની 14 ગાડીએ બે કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો

અમદાવાદના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. કન્સ્ટ્રક્શન સાઇટ પર ભીષણ આગ લાગતાં મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 14 જેટલી ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી છે.

ફાયરબ્રિગેડને સ્થાનિક મજૂરોના જણાવ્યા મુજબ, વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન લાકડામાં આગ લાગી હતી. એ બાદ પવન ફૂંકાવાને કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઈટ પર આગ લાગતાં પ્રોજેક્ટના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ફાયર વિભાગે સક્રિયપણે આગને કાબૂમાં લીધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીના જણાવ્યા મુજબ, સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઈટના એક ભાગની છત પર આજે સવારે લગભગ 6.30 વાગ્યે આગ લાગવાની ઘટના સામે આવી છે.

કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે કામચલાઉ શટરિંગનાં કામને કારણે વેલ્ડિંગમાંથી નીકળેલા તણખાને કારણે આગ લાગી હશે. ફાયર વિભાગે સક્રિયપણે આગને કાબૂમાં લીધી છે અને પરિસ્થિતિ હવે કાબૂમાં છે. NHSRCLના અધિકારીઓ સ્થળ પર હાજર છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.