પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા 3 બ્રિજના બ્યુટિફિકેશન પાછળ 100 કરોડનો ધુમાડો કરવામાં આવશે. આ રકમનો ઉપયોગ લોકોના ઉપયોગની સુવિધા પાછળ ખર્ચાવી જોઈએ. 99.75 કરોડના ખર્ચે મ્યુનિ. શહેરના જુદા જુદા વિસ્તારમાં 25 અર્બન હેલ્થ સેન્ટર કે 110થી વધુ ગાર્ડન બનાવી શકાય તેમ છે.
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મૂકવામાં આવેલી દરખાસ્ત મુજબ જમાલપુર- પાલડી વચ્ચેના સરદાર બ્રિજ, શાહપુરથી ઈન્કમટેક્સ પાસેના ગાંધી બ્રિજ, વાડજ- દૂધેશ્વરને જોડતાં દધીચી બ્રિજને નવા રંગરૂપથી તૈયાર કરાશે. આ માટે બ્રિજ પર કાયમી ધોરણે લાઈટિંગની સાથે સ્ટીલ સ્ટ્રક્ચરમાં થીમ રેલિંગ, ઓછા વજનના વિવિધ સ્ટ્રક્ચર અને રંગબેરંગી લાઇટિંગ કરાશે.
આ દરખાસ્ત ટેન્ડરના ભાવ કરતા 38 ટકા વધારે રકમ સાથે ટેન્ડર આપવાની ભલામણ કરાઇ છે. અધિકારીઓના મતે, દરરોજ એક-એક બ્રિજ પરથી એક લાખ કરતા વધારે લોકોની અવર-જવર છે. બ્યુટીફિકેશન બાદ શહેરની એક આગવી નવી ઓળખ ઉભી થશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલમાં રિવરફ્રન્ટ પરના બ્રિજ લાઇટિંગને કારણે સામાન્ય લાગે છે. ઘણીવાર કોઇ ઉત્સવોને કારણે સમગ્ર બ્રિજને શણગારવામાં આવે છે. થોડા દિવસ બાદ તેના પર લગાવવામાં આવેલી લાઇટો ઉતારી લેવામાં આવે છે. વિદેશના બ્રિજ લાઇટિંગ અને તેના પર રાખવામાં આવેલા સ્ટ્રક્ચરને કારણે સુંદર દેખાય છે.
રિવરફ્રન્ટને કારણે ટુરિસ્ટ મોટી સંખ્યામાં રાત્રે પણ આ વિસ્તારમાં ફરતા હોય છે. આ સ્થિતિમાં તેઓ યોગ્ય ફોટો પણ લઇ શકે તે માટે આ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરમાં વધુ એક એટ્રેક્શન પોઇન્ટ તૈયાર કરવા માટે બ્રિજના બ્યુટિફિકેશનનું કામ ચાલુ કર્યું છે.
હાલમાં સામાન્ય લાઇટમાં પણ બ્રિજ નદીમાંથી બહુ જ સુંદર લાગે છે. આ સ્થિતિમાં જો તેઓને યોગ્ય રીતે લાઇટિંગ અને સ્ટ્રક્ચરથી તૈયાર કરવામાં આવે તો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે અને બહારથી આવતા લોકો માટે અમદાવાદની અલગ ઓળખ બનશે.