Gujarat

રાજપથ ક્લબ રોડ, શીલજ, બોપલ, ઘુમા, સરખેજ અને મક્તમપુરામાં પાણી નહીં આવે; ગુરુવારે સવારે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી મળશે

અમદાવાદના રિંગ રોડ પર ઓગણજ સર્કલ પર ઔડા દ્વારા બનાવવામાં આવનાર અંડરપાસમાં પાણીની મુખ્ય ટ્રંક લાઈન નડતરરૂપ હોવાથી તેને શિફ્ટ કરવા માટે તેમજ નવી નાખેલી લાઈનનું હયાત ટ્રંક લાઈન સાથે જોડાણ કરવાની કામગીરી કરવાની હોવાથી આવતીકાલે બુધવારે એસજી હાઇવે પર રાજપથ ક્લબ રોડ, શીલજ, બોપલ, ઘુમા, સરખેજ અને મક્તમપુરા વિસ્તારમાં સવારના પાણીના સપ્લાય બાદ તમામ પાણીનો સપ્લાય બંધ રહેશે. બીજા દિવસે ગુરુવારે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે.

AMC ઈજનેર વોટર પ્રોજેક્ટ ખાતાના જણાવ્યા મુજબ, વૈષ્ણોદેવી ઓવરહેડ ટાંકીથી રીંગ રોડને સમાંતર શાંતીપુરા ચોકડી સુધી જતી 1600 મીમી વ્યાસની જાસપુર વોટર વર્કસ આધારીત મેઇન ટ્રંક લાઈન જેમાં ઓગણજ સર્કલ પર ઔડા દ્વારા બનાવવાનાં આવનાર અંડરપાસમાં નડતરરૂપ હોવાથી લાઇન શિફ્ટિંગ કરવામાં આવશે. નવી નાખેલી લાઈનનું હયાત 1600 મીમી વ્યાસની લાઈન સાથે જોડાણ કરવામાં આવનાર છે.

સરદારધામ પાસે આવેલી ધરતી નર્સરી પાસે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નવી નાખેલી 2500 મીમી વ્યાસની એમ.એસ.ટ્રંકલાઈનમાંથી રીંગરોડ સમાંતર નાંખેલી 1600 મીમી વ્યાસની હયાત ટ્રંક લાઈનમાં જોડાણ કરવા માટે મુખ્ય ટ્રંક લાઈન બંધ કરાશે.