સુરતમાં આઉટર રિંગ રોડના વાલક પાટિયા પાસે તાપી બ્રિજ પર ગત 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે રફતાર અને દારૂના નશામાં ચૂર થઈ કારને કાળ બનાવી બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. કાર ચાલક કીર્તન ડાખરાના કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા છે.
કીર્તન ડાખરા જ આ કાર ચલાવતો હતો તેના પુરાવા વધુ મજબૂત કરવા માટે સ્ટિયરિંગ પરથી ફિંગર પ્રિન્ટના નમૂના લેવા માટે એફ. એસ.એલ.ની મદદ લીધી હતી.
આ સાથે જ કીર્તનનું લાઇસન્સ રદ કરવા માટે લસકાણા પોલીસ દ્વારા આરટીઓમાં જાણ કરી દેવામાં આવી છે. જ્યારે લસકાણા પોલીસ દ્વારા ફાર્મ હાઉસના માલિકનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે. આજે કીર્તનને ફાર્મ હાઉસ ખાતે લઈ જઈને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
બેફામ કાર કંકારી પાંચ બાઈકને અડફેટે લીધી ગત 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે કાપોદ્રામાં હીરાના પેકેટ બનાવવાનું કારખાનું સાથે સંકળાયેલા કીર્તન મનોજ ડાખરા (રહે. વિઠ્ઠલનગર, કાપોદ્રા)એ દારૂ અને રફતારના નશામાં ગોઝારો અકસ્માત સજર્યો હતો.
કીર્તન તેના મિત્ર પ્રિન્સ સાથે કામરેજના યુનિવર્સલ વિકેન્ડ હોમ્સ એન્ડ વિલામાં કોલેજિયન્સના ગ્રૂપે રાખેલી પાર્ટીમાંથી એક યુવતી, જૈમીશ, ધ્રુવને પોતાની કારમાં બેસાડી નીકળ્યો હતો.
નશામાં બેફામ ઝડપે કાર હંકારતાં વાલક પાટિયા પાસે તાપી બિજ પર ડિવાઈડર કૂદી અને રિંગ સાઇડમાં સામેથી આવતી પાંચ બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બે નિર્દોષ ભાઈઓ કાળનો કોળિયો બની ગયા હતા. બીજા ચાર વ્યક્તિઓને પણ ગંભીર ઈજા પહોંચી હતી.