Gujarat

સફળતા ફક્ત સતત પ્રયત્નો દ્વારા જ પ્રાપ્ત થાય છે.અને નિષ્ફળતા જીવનનો એક ભાગ છે

અત્યારે સીબીએસસી બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને આગામી દિવસોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડગાંધીનગર દ્વારા ધો.૧૦ એસ.એસ.સી. ધો.૧૨ એચ.એસ.સી.ની પરિક્ષાઓ  શરૂ થશે ત્યારે વિદ્યાર્થી જીવનમાં ધ્યાન એકાગ્રતા બહુ જરુરી છે.સારી સફળતા માટે ધ્યાન એકાગ્રતા વિશે થોડું જોઇએ. ભગવદ્ ગીતા જ્ઞાનમાં જોઇએ તો પરમાત્માનું ધ્યાન કરતાં જીવ ઈશ્વરમાં મળી જાય. ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય. ધ્યાતા ધ્યાન અને ધ્યેય ત્રણે એક થઈ જાય. આજ મુક્તિ, આજ શુદ્ધ અદ્વૈત.
ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક થવાં જોઈએ.તે એક થાયતો સમજવું કે,ધ્યાનમાં અને દર્શનમાં એકતાનતા થઈ. એકતાનતા થઈ એટલે તેને ઈશ્વર સિવાય બીજું કાંઈ દેખાતું નથી.
લોકો ઈશ્વરને આપે છે ધન, પરંતુ પરમાત્મા તો સૌની પાસે માગે છે મન. વ્યવહાર કરો,પણ ઈશ્વરમાં મન રાખી વ્યવહાર કરવો. પનિહારીઓ પાણીનાં બેડાં ભરીને રસ્તેથી ઘરે આવતી હોય,ત્યારે રસ્તામાં તેઓ એક બીજી સાથે વાતો કરતી હોય છે પણ વાતચીતમાં તેઓનું ધ્યાન સતત માથા ઉપરનાં બેડાં ઉપર જ હોય છે.આવી રીતે સંસારના વ્યવહારો ઈશ્વરનું સ્મરણ રાખીને કરો.ખાંડ ની પૂતળીસાગરનું ઊંડાણ પામવા ગઈ. તે સાગરમાં વિલીન થઈ ગઈ પાછી ન જ આવી. તે સાગર સાથે મળી ગઈ તેમ ઈશ્વરમાં મળેલા મનને કોઈ જુદું કરી શકતું નથી. જેમજેમ મન ધ્યાન કરે છે.તેમ તેમ જીવનો લય પરમાત્મામાં થાય છે.પછી જીવમાં જીવપણું રહેતું નથી.એક થાય છે ઈશ્વરમાં મળી જાય છે,ત્યારે વૈષ્ણવાચાર્યો થોડું દ્વૈત રાખીને દ્વૈત માને છે. ભક્તિનો ગરંમ ભલે દ્વૈતથી થાય, પણ તેની સમાપ્તિ અદ્વૈતમાં થાય છે.ભક્ત અને ભગવાન જુદા રહી શકતા નથી જે જીવ ભગવાનમાં મળી ગયો તેને પછી ભગવાન પોતાના સ્વરૂપથી અલગ કરી શકતા નથી. ઈશ્વર રસરૂપ છે.
જે બ્રહ્મરસમાં ડૂબી ગયો,જે બ્રહ્મરૂપ થયો તેપછી પરમાત્માના સ્વાત્મક સ્વરૂપનો અનુભવ કરી શકતોનથી જીવ બ્રહ્મરૂપ થાય એટલે દુઃખ નિવૃત્તિ તો થાય છે,પણ આનંદનો અનુભવ થતો નથી.બ્રહ્મ જે રસાત્મક છે, આનંદાત્મક છે તેનો અનુભવ લેવા તેણે હું અલગ રહેવું પડે. થોડું દ્વૈત રાખવું પડે. તેથી ભક્ત કહે છેકે,હું મારા ભગવાનનો અંશ છું,હું મારા ભગવાનની ગોપી છું, મારે પરમાત્મા સાથે એક થવુંનથી મારે પરમાત્માની સેવા કરવી કે. ભક્ત જ્યારે લૌકિક દેહ છોડી અપ્રાકૃત શરીર ધારણ કરી ગોલોક ધામમાં પ્રવેશ કરે છે ત્યારે ભગવાનને આનંદ થાય છે કે,મારો અંશ મને મળવા આવ્યો. ભકિત કરતાં તુકારામ પાંડુરંગ બની ગયા. પણ તુકારામ કહે છે, કીર્તન કરવામાં મને આનંદ આવે છે તે પાંડુરંગ થવામાં નથી. જીવ ઈશ્વરથી જુદો રહે,તો તે રસનો અનુભવ કરી શકે છે.
વૈષ્ણવાચાર્યો જીવ ઈશ્વર થી થોડો અલગ હે તેમ ઇચ્છે છે. ઈયળ ભમરીનું ચિંતન કરતાંકરતાં ભમરીરૂપ બની જાય છે,તેજ પ્રમાણે ઉવ બ્રહ્મનું ચિંતન કરતાં બ્રહ્મરૂપ બની જાય છે. આ થઈ કૈવલ્ય મુક્તિ,પણ વૈષ્ણવો આવી કેવલ્પ મુક્તિ ઇચ્છતા નથી તેઓ ઈશ્વરની પૂજા-સેવા કરવા માટે અને તેનો રસાસ્વાદ માણવા માટે થોડું દ્વૈત રાખે છે.જે વ્યાપક બ્રહ્મમાં લીન થયો તે તેમાંથી કેમ છૂટો પડી શકે? પાણીમાં સર્વ રીતે ડૂબી ગયેલો પાણીનો સ્વાદ લઈ શકતો નથી,તેવી રીતે જીવ ઈશ્વર ડૂબી ગયા પછી જીવ ઈશ્વરના સ્વરૂપને સ્વાનુભાવ કરી શકતો નથી.માટે વૈષ્ણવ મહાપુરુષો થોડું દ્વૈત રાખી ભગવાનની સેવા- સ્મરણમાં શ્રેયાર્થતા અનુભવે છે. આ બંને સિદ્ધાંતો સત્ય છે.ખંડન મંડનની ભાંજગડ માં પડશો નહીં. પ્રભુ પણ ભેદાભેદ ભાવમાં માને છે. લીલામાં ભેદ માને છે, પરંતુ તત્ત્વદૃષ્ટિથી અભેદ છે. અભિન્ન હોવા છતાં સૂક્ષ્મ ભેદ છે.
એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં આ સિદ્ધાંત મુજબ સમજાવતાં દૃષ્ટાંત આપ્યું છે. અશોકવનમાં રામ વિરહમાં સીતાજી રામનું અખંડ ધ્યાન- સ્મરણ કરે છે. સીતાજી ધ્યાનમાં તન્મય રહે છે કે, હું સીતા છું. તેમને થાય છે કે,હું જ રામ છું.આ કૈવલ્ય મુક્તિ.તેમણે એક વાર ત્રિજટાને કહ્યું કે, ઈયળ ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરી બની જાય છે,એમ રામજીનું ચિંતન કરતાં કરતાં હું રામ થઈ જઈશ?તો પછી રામજીની સેવા કોણ કરશે?પછી જગતમાં રામસીતા ની જોડી નહીં રહે.સીતાજીને રામરૂપ થવું નથી.તેમને તો રામજીની ચિંતા છે. સીતા થઈ રામજીની સેવા કરવામાં જે આનંદ છે,તે રામરૂપ થવામાં નથી. તેમને રામ થવામાં આનંદ નથી.
ત્યારે ત્રિજટા કહે છે,ચિંતા ન કરો! પ્રેમ અન્યોન્ય હોવાથી રામજી તમારું ચિંતન કરતાંકરતાં સીતારૂપ થશે. રામ સીતાની જોડી જગતમાં કાયમ રહેશે. આ જ ભાગવતી મુક્તિનું રહસ્ય છે.
વૈષ્ણવ આચાર્યો પહેલા દ્વૈતનો નાશ કરે છે અને અદ્વૈત પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તેઓ કાલ્પનિક દ્વૈત રાખે છે, જેથી કનૈયાને ગોપી ભાવે ભજી શકાય.કહે છે મારે શ્રીકૃષ્ણ થવું નથી,મારે તો ગોપી થઈ શ્રી કૃષ્ણની સેવા કરવી છે.
જ્ઞાનીઓ જ્ઞાનથી અદ્વૈત સિદ્ધ કરે છે.આનું નામ અદ્વૈત મુક્તિ, કૈવલ્ય મુક્તિ,ભક્તો ભક્તિથી અદ્વૈત સિદ્ધ કરે છે તે ભાગવતી મુક્તિ.
વિચાર પ્રધાન મનુષ્યો જ્ઞાનમાર્ગ પસંદ કરે છે.ભાવના પ્રધાન મનુષ્યો જેનું હૃદય કોમળ છે,દ્રવે છે તેવા મનુષ્યો ભક્તિમાર્ગ પસંદ કરે છે.
ઈશ્વરથી વિભક્ત ન થાય તેનું નામ ભક્તિ. સાધનોમાં ભક્તિ શ્રેષ્ઠ છે. ભક્તિશૂન્ય પુરુષોનાં સાધન નિષ્ફળ જાય છે.
ભાગવતમાં જ્યાંજ્યાં ભક્તિ શબ્દ વપરાયેલો છે,ત્યાં તીવ્ર શબ્દ પણ સાથે વપરાયેલો છે. ભક્તિ તીવ્ર જોઇએ.તીવ્રતા વગર ની સાધારણ ભક્તિ ન ચાલે.
વૈરાગ્યની ઇચ્છાવાળા મુમુક્ષુ ભક્તે તીવ્ર ભક્તિ યોગથી પરમ પુરુષ પૂર્ણપરમાત્માનું પૂજન કરવું શુકદેવજી કહે, રાજન,કોઇપણ પ્રકારે મુક્તિ મેળવવી હોય,તો આરંભ માં ભોગનો ત્યાગ કરવો પડશે.ભોગી જ્ઞાનમાર્ગ માં કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકશે નહીં.ભોગ ભક્તિ માં બાધક છે.ભોગ જ્ઞાનમાં પણ બાધક છે.ભોગ કરતાં ભોગના ત્યાગમાં અનંતગણું સુખ છે.ઇન્દ્રિયજન્ય સુખ સર્વ પ્રાણી ઓનું સરખું જ હોય છે.છપ્પન મણ રૂની તળાઇમાં આળોટતા શેઠિયાને જે સુખ મળે છે તેવું જ સુખ ગધેડાને ઉકરડા ઉપર આળોટવામાં મળે છે. મનુષ્યને શીખંડ ખાવામાં જે સુખ મળે છે તેવું સુખ ભૂંડને વિષ્ટા ખાવામાં મળે છે.મનુષ્યે બુદ્ધિપૂર્વક ભોગ છોડવા જોઇએ. ભોગમાં ક્ષણિક સુખ છે, ત્યાગમાં હંમેશ અનંતનું સુખ છે.ભોગથી શાંતિ મળતી નથી ત્યાગથી શાંતિ મળે છે.રાજા આજસુધી તે અનેક ભોગ ભોગવ્યા છે. હવે તારી એક- એક ઇન્દ્રિયને તું ભક્તિ રસનું દાન કર. ઇન્દ્રિયરૂપી પુષ્પ ભગવાનને અર્પણ કર.
રાજન્ જેનું મરણ સમીપમાં આવ્યું છે, તે સંસારને ભૂલવાનો પ્રયત્ન કરે, પરમાત્માનું ધ્યાન કર.
ધીરે ધીરે સંયમને વધાર.સતત શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું એ જ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે.ઈશ્વર સાથે તન્મય થાય તેને મુક્તિ મળે છે.
રાજન, જન્મ તેનો સફળ થયો કે જેને ફરીવાર માના પેટમાં જવાનો પ્રસંગ જ ન આવે. ગર્ભવાસએ જ નરકવાસ છે.કર્મ અને વાસના લઇને જીવજન્મે છે,તેનો ગર્ભ વાસ એ નરકવાસ છે.આ દેહાભિમાન જ મિથ્યા છે.
આજે છેલ્લે જોઇએ તો એક માણસ ક્યાંકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે રસ્તાની બાજુએ હાથીઓને બાંધેલા જોયા અને અચાનક થંભી ગયો. તેણે જોયું કે હાથીઓના આગળ ના પગમાં દોરડું બાંધેલું હતું તે જોઈને તેને આશ્ચર્ય થયું કે હાથીઓ જેવા વિશાળ જીવોને લોખંડની સાંકળોને બદલે માત્ર એક નાના દોરડાથી બાંધવામાં આવ્યા હતા! તે સ્પષ્ટ હતું કે હાથીઓ તેમના બંધન તોડી શકે છે અને જ્યારે પણ તેઓ ઇચ્છે ત્યારે ગમે ત્યાં જઈ શકે છે, પરંતુ કેટલાક કારણોસર તેઓ તેમ કરતા ન હતા. તેણે નજીકમાં ઉભેલા માહુતને પૂછ્યું કે આ હાથીઓ આટલી શાંતિથી કેવી રીતે ઉભા છે અને ભાગવાનો પ્રયાસ નથી કરી રહ્યા?
ત્યારે માહુતે કહ્યું, “આ હાથીઓ નાનપણથી જ આ દોરડાથી બાંધેલા છે, તે સમયે તેમનામાં એટલી તાકાત નથી કે આ બંધન તોડી શકે. વારંવાર પ્રયત્નો કરવા છતાં પણ દોરડાને તોડી ન શકવાને કારણે, ધીમે ધીમે તેઓને વિશ્વાસ થઈ ગયો કે તેઓ આ દોરડાને તોડી શકતા નથી અને આ માન્યતા તેઓ મોટા થઈને પણ તેમની સાથે રહે છે, તેથી તેઓ ક્યારેય તોડવાની કોશિશ કરતા નથી.”
તે માણસને નવાઈ લાગી કે આ શક્તિશાળી પ્રાણીઓ ફક્ત એટલા માટે પોતાના બંધન તોડી શકતા નથી કારણ કે તેઓ તેમાં વિશ્વાસ કરતા હતા!
આ હાથીઓની જેમ, આપણામાં થી કેટલા લોકો, ફક્ત ભૂતકાળની નિષ્ફળતાને કારણે, એવું માનવા લાગે છે કે હવે આપણે આ કામ કરી શકતા નથી અને આખું જીવન આપણે પોતે બનાવેલી માનસિક સાંકળોમાં ફસાઈને વિતાવીએ છીએ. વિદ્યાર્થી ભાઈ બહેનો યાદ રાખો કે નિષ્ફળતા જીવનનો એક ભાગ છે અને સફળતા ફક્ત સતત પ્રયત્નો દ્વારા જ પ્રાપ્ત થાય છે. જો તમે પણ એવા કોઈ બંધનમાં બંધાયેલા છો જે તમને તમારા સપના સાકાર કરતા અટકાવી રહ્યું છે તો તેને તોડી નાખો… તમે એક માણસ છો, હાથી નહીં. આજે આપણે અહીં અટકીએ અસ્તુ.
*યશપાલસિંહ ટી. વાઘેલા દરબારગઢ થરા શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા*