National

ICSIએ આવકવેરા બિલ ૨૦૨૫માં “એકાઉન્ટન્ટ”ની વ્યાખ્યામાં કંપની સેક્રેટરીઓનો સમાવેશ કરવાની હિમાયત કરી

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ આવકવેરા બિલ ૨૦૨૫ને આવકાર આપ્યો છે, અને તેને ભારતમાં કરવેરા માળખાના આધુનિકીકરણમાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે માન્યતા આપી છે. આ બિલનો ઉદ્દેશ કરવેરાનાં પાલનને સરળ બનાવવાનો, પારદર્શકતા વધારવાનો અને વધારે કાર્યક્ષમ કરવેરા વહીવટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે.

જાે કે, આઇસીએસઆઈ સૂચિત આવકવેરા બિલ ૨૦૨૫ની કલમ ૫૧૫ (૩) (બી)માં દર્શાવ્યા મુજબ “એકાઉન્ટન્ટ” ની વ્યાખ્યામાં કંપની સેક્રેટરીઝને સામેલ કરવાની હિમાયત કરી છે. આ બાદબાકીને દેશના નાણાકીય અને પાલન લેન્ડસ્કેપમાં કંપની સેક્રેટરીની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપવામાં ચૂકી ગયેલી તક તરીકે જાેવામાં આવે છે. આ વિનંતી કર વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફારો અને ૨૦૨૭ સુધીમાં ભારતને ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં અને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

સંસદીય સ્થાયી સમિતિના ભૂતકાળમાં કેટલાક અહેવાલોમાં કંપની સચિવ જેવા વ્યાવસાયિકોને ‘એકાઉન્ટન્ટ’ની વ્યાખ્યામાં સમાવવાની ભલામણ કરવામાં આવી હતીઃ

• ડાયરેક્ટ ટેક્સ કોડ ૨૦૧૦ પર ૯ માર્ચ, ૨૦૧૨ના રોજ ડિપાર્ટમેન્ટ રિલેટેડ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાયનાન્સ (એસસીએફ)નો ૪૯મો રિપોર્ટઃ આ રિપોર્ટમાં ‘એકાઉન્ટન્ટ’ના દાયરામાં કંપની સેક્રેટરીઝ એક્ટ, ૧૯૮૦માં વ્યાખ્યાયિત કર્યા મુજબ ‘કંપની સેક્રેટરી’નો સમાવેશ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

• ડાયરેક્ટ ટેક્સ કોડ ૨૦૧૩ઃ ડીટીસી ૨૦૧૩માં દરખાસ્ત કરવામાં આવી હતી કે “એકાઉન્ટન્ટ”ની વ્યાખ્યામાં કંપની સેક્રેટરીને કંપની સેક્રેટરી એક્ટ, ૧૯૮૦ના અર્થમાં સામેલ કરવી જાેઈએ.

• ૨૧ મી ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ વાણિજ્ય પર વાણિજ્ય સંબંધિત સંસદીય સ્થાયી સમિતિનો ૧૨૨મો અહેવાલઃ આ અહેવાલમાં આવકવેરા કાયદા હેઠળ ‘એકાઉન્ટન્ટ’ ની વ્યાખ્યાને વિસ્તૃત કરવાની ભલામણ કરવામાં આવી છે. જેમાં અન્ય ફાઇનાન્સ પ્રોફેશનલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને કંપની સેક્રેટરીઝનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સરકારની પહેલથી વિવિધ ક્ષેત્રોમાં વિકાસને વેગ મળ્યો છે. જેના પગલે ટાયર ૨ અને ટાયર ૩ શહેરો સહિત દેશભરમાં કુશળ વ્યાવસાયિકોની માંગમાં વધારો થયો છે.

આ વાત પર ભાર મૂકતા, આઇસીએસઆઈના પ્રમુખ સીએસ ધનંજય શુક્લાએ જણાવ્યું હતું કે,”ટેક્સ નિયમોનું પાલન સુનિશ્ચિત કરી શકે તેવા લાયકાત ધરાવતા વ્યાવસાયિકોના વિશાળ સમૂહની આ જરૂરિયાતને પહોંચી વળવા માટે આવકવેરા બિલ ૨૦૨૫માં કંપની સેક્રેટરીઝને ‘એકાઉન્ટન્ટ’ ની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવે તે જરૂરી છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને પ્રકારના કરવેરાના કાયદામાં તેમની કુશળતા અને યોગ્યતા તેમને કરવેરાના પરિદ્રશ્યમાં મૂલ્યવાન બનાવે છે અને સમયસર તેનું પાલન કરવા માટે લાયકાત ધરાવતા વ્યાવસાયિકોના વિશાળ ભંડારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.”

આઈસીએસઆઈનું માનવું છે કે કંપની સેક્રેટરીઝને “એકાઉન્ટન્ટ”ની વ્યાખ્યામાં સામેલ કરવાથી ભારતમાં કરવેરાનું પાલન કરવાની કાર્યદક્ષતા અને અસરકારકતામાં નોંધપાત્ર પ્રદાન થશે.

આઈસીએસઆઈ કરવેરા વ્યવસ્થામાં કંપની સેક્રેટરીઝને અભિન્ન વ્યાવસાયિકો તરીકે માન્યતા આપવાની હિમાયત કરવા માટે કટિબદ્ધ છે અને આ બાબતમાં સરકાર તરફથી સકારાત્મક પ્રતિસાદની આશા રાખે છે.