National

MUDA જમીન કૌભાંડ કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને લોકાયુક્તે ક્લીનચીટ આપી

મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) સંબંધિત જમીન કૌભાંડ કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મોટી રાહત મળી છે. લોકાયુક્તે તેમને ક્લીનચીટ આપી છે. આ કેસમાં લોકાયુક્તને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમની પત્ની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) જમીન કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા.તેમની સામેની તપાસ હવે પૂર્ણ થઈ ગઈ છે.મૈસુર લોકાયુક્તે તેના તપાસ અહેવાલમાં સીએમ સિદ્ધારમૈયા અને તેમની પત્ની અને અન્ય આરોપીઓને ક્લીનચીટ આપી છે.

આ કેસમાં સ્નેહમયીકૃષ્ણ ફરિયાદી હતા અને હવે લોકાયુક્તે તેમને નોટિસ ફટકારી છે. લોકાયુક્તે કહ્યું છે કે પુરાવાના અભાવે આ કેસ તપાસને લાયક નથી. હવે આ અંગે રિપોર્ટ દાખલ કરવામાં આવશે. સ્નેહમયી કૃષ્ણાને જારી કરાયેલી નોટિસ અનુસાર, એવું કહેવામાં આવ્યું છે કે જાે તેમને આ રિપોર્ટ સામે કોઈ વાંધો હોય, તો તેઓ નોટિસ મળ્યાના એક અઠવાડિયાની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનો વાંધો નોંધાવી શકે છે. લોકાયુક્તના જણાવ્યા અનુસાર, આ કેસમાં ૪ આરોપીઓ સામે કોઈ પુરાવા મળ્યા નથી. તેનો અંતિમ અહેવાલ હવે હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે.

લોકાયુક્ત દ્વારા આપવામાં આવેલ રિપોર્ટ હવે કર્ણાટક હાઈકોર્ટમાં સુપરત કરવામાં આવશે છે, જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, તેમની પત્ની બીએમ પાર્વતી અને અન્ય બે આરોપીઓને ક્લીનચીટ આપવામાં આવી છે. અન્ય બે આરોપીઓમાં સિદ્ધારમૈયાના સાળા મલ્લિકાર્જુન સ્વામી અને જમીન માલિક દેવરાજુનો સમાવેશ થાય છે. આ મામલે મળતી માહિતી અનુસાર આ મામલાની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે મૈસુરના એક ઉચ્ચ કક્ષાના વિસ્તારમાં બીએમ પાર્વતીને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા.