Gujarat

“સંરક્ષણ ક્ષમતા મહોત્સવ” અન્વયે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા યોજાઈ સાયકલ રેલી

વિશ્વભરમાં પર્યાવરણની જાળવણી માટે વિવિધ સંસ્થાઓ દ્વારા સમાજોપયોગી પ્રવૃત્તિ કરવામાં આવે છે. જે અન્વયે રાજકોટ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ પશ્ચિમ ક્ષેત્ર પાઈપલાઈન્સના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય હેતુ લોકોમાં ઊર્જા બચત અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

જેમાં તમામ વય જૂથના સાયકલ સવારોએ ભાગ લીધો હતો. જેમણે નિર્દિષ્ટ માર્ગો પર સાયકલ ચલાવીને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનો અને પર્યાવરણ અનુકૂળ પરિવહન ઉપાયો અપનાવવા અંગે જાગૃતિ ફેલાવી હતી અને લોકોને માહિતગાર કર્યા હતા.

આ તકે પશ્ચિમ પ્રદેશ પાઇપલાઇન્સના વડાશ્રી જી.વેંકટરમણએ જણાવ્યું કે, આ પહેલ ખાસ કરીને લોકોની આત્મપ્રેરણા માટે છે, જેથી, તેઓ પરંપરાગત ઇંધણ- ચાલિત પરિવહનના તુલનામાં સ્વસ્થ વિકલ્પો અપનાવશે. “સક્ષમ ૨૦૨૪-૨૫” અભિયાન અન્વયે સાયકલ રેલી યોજીને એક સંદેશો પણ આપવામાં આવ્યો છે. જે શહેરવાસીઓને ઊર્જા કાર્યક્ષમતામાં, પર્યાવરણીય જાગૃતિમાં અને ટકાઉ પ્રથાઓમાં પ્રેરણા આપવા માટે છે.