પાળિયાદમાં હજારો ભાવિકોના જયનાદે દીક્ષા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી
બોટાદ સંપ્રદાયમાં પ્રથમવાર પૂ. જયેશચંદ્રજી મ.સા. ને “ઉપાધ્યાય પદ” ની ઘોષણાથી જયનાદ
દીક્ષાર્થી દર્શનકુમારનું નવદીક્ષિત પૂ. દેવાર્યચંદ્રજી મુનિ નામકરણ : વડી દીક્ષા શનિવારે બોટાદમાં
સાધનાની શિક્ષા, સત્ત્વની ભિક્ષા એનું નામ દીક્ષા ધીરગુરુદેવ
ત્યાગ—વૈરાગ્યની ભૂમિ પાળિયાદમાં ઢોલના નગારે રવિવારની સલૂણી સવારે ૮-૦૦ કલાકે શ્રી દીપકભાઈ માલવણીયાના ગૃહાંગણેથી સંયમાનુરાગી દર્શનકુમારની ભવ્ય શોભાયાત્રા નાસિક ઢોલના નાદે વિશાળ ડોમમાં ૯:૪૫ કલાકે પ્રવેશતાં દીક્ષાર્થી અમર રહો, દીક્ષાર્થીનો જયજયકાર નો જયનાદ આકાશને આંબવા લાગ્યો હતો.
ગચ્છાધિપતિ પૂ. શૈલેશચંદ્રજી મ. સા. આદિ, પૂ. શ્રી ધીરગુરુદેવ, પૂ. દીપમુનિજી મ. સા. તથા પૂ. પંથકમુનિ મ. સા. અને મહાસતીજી વૃંદ તથા દેશ–વિદેશના ભાવિકોની હાજરીમાં દીક્ષાર્થીના રજતશ્રીફળનો ચડાવો પ્રવીણભાઈ શાહ, સુવર્ણ ચેનનો અનસુયાબેન અશોકભાઈ ડેલીવાલા, અંગુઠીનો ભારતીબેન ભોગીલાલ વોરા, વિજયતિલકનો વિમળાબેન છોટાલાલ ગોપાણી, માળાનો રસીલાબેન હિંમતલાલ શેઠ, નામકરણનો અમી ચિરાગ ગાંધીએ લાભ લીધેલ. સંઘજમણ ભારતીબેન ગુણવંતભાઈ ગોપાણી અને સંયમ અનુમોદનાનો અનેક દાતાઓએ લાભ લીધેલ.
દીક્ષાર્થી દર્શનકુમારે વૈરાગી અવસ્થાના આખરી પ્રવચનમાં જણાવેલ કે – ગુરુના સત્સંગે સંયમની સફરમાં આગળ વધવા પ્રયત્ન કર્યો અને પરિવાર સહભાગી બન્યો તે મારું સૌભાગ્ય છે પરિવારના દરેકની ક્ષમા માંગતા સહુની આંખો અશ્રુભીની બની હતી.
વિસામણ બાપુની જગ્યાના મહંત પૂ. નિર્મળાબા અને શ્રી ભઈલુબાપુ નું સન્માન કરાયું હતું.
દીક્ષા વિધિ પૂર્વે બોટાદ સંપ્રદાયમાં પ્રથમ વાર પૂ. જયેશચંદ્રજી મ. સા. ને ઉપાધ્યાય પદની ઘોષણા ચતુર્વિધ સંઘ મધ્યે પૂ. શ્રી ધીરગુરુદેવે ગચ્છાધિપતિની અનુજ્ઞાથી કરતાં જયજયકાર વર્તાયો હતો.
વેશ પરિવર્તન બાદ ક્ષેત્રવિશુદ્ધિ પૂ. સુપાર્શ્વચંદ્રજી મ. સા. એ કરાવ્યા બાદ પૂ. શૈલેશચંદ્રજી મ. સા. ની આજ્ઞાથી દીક્ષાનો પાઠ ઉપાધ્યાય પૂ. જયેશચંદ્રજી મ. સા. એ ભણાવ્યો હતો.
નૂતનદીક્ષિતનું બા. બ્ર. પૂ. દેવાર્યચંદ્રજી મ. સા. નામકરણ ઘોષિત કરાતાં જયનાદ કરાયો હતો. વડી દીક્ષા તા. ૮ને શનિવારે જૈનભવન – બોટાદમાં સવારે ૭:૩૦ કલાકે યોજાશે.
આ પ્રસંગે અમેરીકા, કલકત્તા, પૂના, સુરત, મુંબઈ, બરોડા, અમદાવાદ, બોટાદ, ઢસા, ગઢડા, દામનગર, રાણપુર, લાઠી, રાજકોટ, ભરૂચ વગેરે સહિત ત્રણ હજારથી વધુ ભાવિકોએ શાંતિ–શિસ્ત પૂર્વક દીક્ષા પ્રસંગે માણ્યો હતો. સૂત્ર સંચાલન ગાયક સંજય શાહે કરેલ.
પૂ. શ્રી ધીરગુરુદેવ તા. ૩ને સોમવારે બોટાદ મોટી વાડી વિતરાગ ભવન, તા. ૪ને મંગળવારે ગઢડા, તા. ૫ને બુધવારે દામનગર, તા. ૬ને ગુરુવારે લાઠી અને તા. ૭ને શુક્રવારે સાવરકુંડલા પધારશે.
અહેવાલ કનુભાઈ ખાચર