સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી ગંદકીની ફરિયાદ કરવા નગરજનોને અપીલ
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડાંઓ અને શહેરોને સ્વચ્છ રાખવા ‘‘સ્વચ્છ ભારત અભિયાન’’ હાથ ધરાયું છે. જે અંતર્ગત જસદણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ માર્ગો પર બેનર્સ દ્વારા શહેરને સ્વચ્છ રાખવા લોકોને અપીલ કરાાઇ છે.
નાગરિકો પોતાના મોબાઇલમાં સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી ગંદકીની ફરિયાદ કરી શકશે. આ માટે શહેરીજનોએ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરવાની રહેશે. ઉપરાંત, નદી-તળાવ જેવા જળાશયોને પ્રદૂષિત થતા અટકાવવા, કચરાનું ચાર રીતે વર્ગીકરણ કરવા(સૂકો કચરો, ભીનો કચરો, ઘરેલુ જોખમી કચરો અને જોખમી કચરો/સેનેટરી વેસ્ટ)અને તેને અલગ તારવવા અંગેના બેનર્સ લગાવાયા છે.
વધુમાં, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ, ૧૨૫ માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી તમામ પ્લાસ્ટિક બેગ, ઝબલા પર પ્રતિબંધ, પાણીનાં પાઉસ પર સંપૂર્ણ પ્રતિબંધ, ડિસ્પોઝલ પાણીના ગ્લાસ અને સ્ટ્રો પર પ્રતિબંધ, ડિસ્પોઝલ (થર્મોકોલ/પોલીસ્ટીરીન) થાળી, વાટકા, ચમચી, કાંટો, બાઉલ પર પ્રતિબંધ કરતા બેનર્સ શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવીને સ્વચ્છતા જાળવવા નગરજનોને અપીલ કરવામાં આવી છે.
જસદણ શહેરને સ્વચ્છ રાખવું, તે સૌ નગરજનોની જવાબદારી છે. સ્વચ્છતા અંગેના અભિયાનમાં નગરપાલિકાને સહયોગ આપવાની સાથે જ્યાં ત્યાં ન થૂકવા તેમજ કચરો ન કરવા લોકોને અપીલ કરાઈ છે.